દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારથી આજે તા.૭મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ તેમના દ્રષ્ટિવંત અને સફળ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે, જેની ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ અંતર્ગત જનહિતના કાર્યક્રમો થકી ઉજવણી કરી રહી છે.
વડાપ્રધાનશ્રીએ આંતરમાળખાકીય વિકાસની સાથે કૃષિ ક્ષેત્રની કાયાપલટ માટે નવી યોજનાઓ શરૂ કરી છે, ખાસ સમયની માંગને ધ્યાને રાખીને વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન વર્ષ ૨૦૨૪માં શરૂ કર્યું છે, તેના પરિણામો અમરેલી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં આશરે ૧૭ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ચૂક્યા છે, આ ખેડૂતો ૧૮,૯૭૮ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે.
જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૨૨૭ જેટલા મોડલ ફાર્મ પણ બની ચૂક્યા છે, આ ફાર્મના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પ્રત્યક્ષ જાણકારી મળી રહે છે, જેથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત પણ થઈ રહ્યા છે. આ માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનો પ્રેરણા પ્રવાસ પણ કરાવવામાં આવે છે.
રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન હેઠળ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ખાસ જિલ્લામાં ત્રણ ત્રણ ગામોનો સમાવેશ કરતા કુલ ૪૬ જેટલા ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. સાથે જ આ ક્લસ્ટરમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી શકે તે માટે કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સનને તૈયાર કરવામાં આવ્યા છે. તેઓ પોતાના ક્લસ્ટરમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન દ્વારા ખાસ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની ઉત્પાદિત વસ્તુઓના બ્રાન્ડિંગ અને તેના વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે તેના પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં ખાસ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખેડૂતો સાથે જરૂરી સંકલન સાધીને તેમને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તે માટે પણ વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પ્રાકૃતિક કૃષિથી સ્વસ્થ ભોજન મળવાની સાથે જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા પણ વધે છે, ઉપરાંત પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોનો ખેતી ખર્ચ પણ ઘટે છે. આમ, પારંપરિક કૃષિ જન આરોગ્ય, પ્રકૃતિ અને ખેડૂતો માટે ફાયદારૂપ છે.
PFA


















Recent Comments