અમરેલી

રાજ્ય સરકાર દ્વારા યોજાતા ભરતી મેળાએ અપાવી રોજગારી, રોજગાર ભરતી મેળા થકી નોકરી પ્રાપ્ત કરનારા ઉમેદવારોએ રાજ્ય સરકારનો આભાર માન્યો

 વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું,  આ સમારંભમાં જિલ્લા રોજગાર કચેરી મારફતે યોજાતા રોજગાર ભરતી મેળા થકી નોકરી પ્રાપ્ત કરનારા યુવક અને યુવતીઓને રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા યોજાતા ભરતી મેળા સ્કિલ્ડ મેનપાવરને રોજગાર અપાવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ સ્કિલ ઇન્ડિયા’ના મંત્રને ચરિતાર્થ કરતા રોજગાર ભરતી મેળા થકી અમરેલીના સ્કિલ્ડ યુવાનો, વિદ્યાર્થીઓને નોકરીની વિપૂલ તકો મળી રહી છે.

અમરેલીના શ્રી હિરલ બુટાણીએ જણાવ્યું હતું કે, મેં બી.એસ.સી.નો અભ્યાસ કર્યો ત્યારબાદ નોકરીની શોધમાં હતી. દરમિયાન જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળાની મને જાણ થઈ. મેં આ ભરતી મેળામાં અરજી કરી અને મને અમરેલી શહેરમાં આલ્ફા ઓટોલિંકમાં જોબ મળી. નોકરીની શોધ માટે યુવાનોને રોજગાર ભરતી મેળો ઉપયોગી થશે, હું સૌને આ મેળાનો લાભ લેવા માટે અપીલ કરું છું.

અમરેલીના શ્રી રિદ્ધી જિકાદરાએ જણાવ્યું હતું કે, મેં એમ.બી.એ.નો અભ્યાસ કર્યો છે. જૂન માસમાં અમરેલીમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળામાં અરજી કરી હતી. આ મેળા થકી મને શીતલ ફૂડ્સમાં ઓર્ડર એક્ઝિક્યુટીવ તરીકે નોકરી મળી હતી.

રાજુલાના શ્રી બકુલ લાખણોતરા જણાવે છે કે, મે રોજગાર ભરતી મેળામાં અનેક વખત અરજી કરી હતી. તેના દ્વારા હું એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યોરન્સમાં જોબ કરું છું. વિદ્યાર્થીઓને હું અપીલ કરું છું કે, રોજગાર ભરતી મેળામાં લાભ લેવો જોઈએ તેના થકી લાયકાત મુજબ અનુકૂળ નોકરી મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી તરીકે ૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા હતા. રાજ્યની ૨૪ વર્ષની વિકાસગાથાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ૦૭થી-૧૫ ઓક્ટોબર દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

Related Posts