સરકારે શુક્રવારે બેન્કિંગ ક્ષેત્ર માટે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. ખાનગી ક્ષેત્રના ઉમેદવારો હવે દેશની ટોચની સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) સહિત અન્ય સરકારી બેન્કોમાં ટોચના મેનેજમેન્ટ હોદ્દાઓ માટે પાત્ર બનશે. નવી માર્ગદર્શિકા અનુસાર, SBIમાં ચાર મેનેજિંગ ડિરેક્ટર પદમાંથી એક ખાનગી ક્ષેત્રના ઉમેદવાર માટે અને જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓમાં કામ કરનારા વ્યક્તિઓ માટે ખુલ્લું મુકાશે. હાલમાં તમામ એમડી અને ચેરમેન પદ આંતરિક ઉમેદવારો દ્વારા ભરવામાં આવે છે. સુધારેલી નિમણૂક માર્ગદર્શિકા અનુસાર, એક એમડી પદ હવે ખાનગી ક્ષેત્રના ઉમેદવાર માટે ઉપલબ્ધ રહેશે.મંત્રીમંડળની નિમણૂક સમિતિ દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા ખાનગી ક્ષેત્રના ઉમેદવારોને જાહેર ક્ષેત્રની બેન્કો (PSB)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) માટે પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપે છે. એસબીઆઈ ઉપરાંત, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ ઈન્ડિયા સહિત 11 જાહેર ક્ષેત્રની બેન્કોમાં આ માર્ગદર્શિકા અનુસરવામાં આવશે. સમિતિ અનુસાર, એમડી પદ પર નિમણૂક કરવા માટે ખાનગી ક્ષેત્રના ઉમેદવારો પાસે ઓછામાં ઓછો 21 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. જેમાં ઓછામાં ઓછો 15 વર્ષનો બેન્કિંગ અનુભવ અને બેન્કના બોર્ડ સ્તરે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ શામેલ છે.નવી માર્ગદર્શિકા અમલમાં આવતાની સાથે જ એસબીઆઈ એમડી પદ ખાલી ગણવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રના પદ માટે લાયક ઉમેદવારો પણ આવી ખાલી જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર બનશે. આ માર્ગદર્શિકા અમલમાં આવે તે તારીખથી એસબીઆઈના એમડીનું પહેલું પદ ખાલી ગણવામાં આવશે. માર્ગદર્શિકા અનુસાર, જાહેર ક્ષેત્રની બેન્કોમાં હોદ્દા માટે લાયકાત ધરાવતા કોઈપણ ઉમેદવાર અરજી કરી શકશે. સરકારી બેન્કોમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની નિમણૂક અંગેની નવી માર્ગદર્શિકા જણાવે છે કે બેન્કમાં એક પદ ખાનગી ક્ષેત્રના ઉમેદવારો સહિત તમામ લાયક ઉમેદવારો માટે ખુલ્લું રહેશે. ઉલ્લેખનીય છે, મોટી નેશનલાઈઝ્ડ બેન્કોમાં ચાર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોય છે, જ્યારે નાની બેન્કોમાં આવા બે પદ હોય છે.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: SBI સહિત PSU બેન્કોમાં ટોચના પદો પર પ્રાઈવેટ સેક્ટરના લોકોની થઈ શકશે નિમણૂક



















Recent Comments