અમરેલી

સાવરકુંડલાના ચીખલી મુકામે વિકાસ સપ્તાહ રથનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત : ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની પ્રેરક ઉપસ્થિતિ

અમરેલી જિલ્લામાં વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે પ્રતિદિન ગ્રામ્ય વિસ્તારોમાં ‘વિકાસ રથ’ પરિભ્રમણ કરી રહ્યો છે, જેના થકી જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી ૨૪ વર્ષના જનવિશ્વાસ, સેવા અને સમર્પણની ગાથા પહોંચી રહી છે. આ કડીના ભાગરૂપે આજરોજ સાવરકુંડલાના તાલુકાના ચીખલી મુકામે ‘વિકાસ રથ’ને ગ્રામજનોએ ઉમકાભેર આવકાર્યો હતો અને ભાતીગળ પરંપરાથી રથનું સ્વાગત કર્યું હતુ. વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીને ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવી છે. અનેક લોકકલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કૃષિ ચિંચાઈ યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓ અમલી બનાવીને વડાપ્રધાનશ્રીએ વિકાસનો નવો અધ્યાય આલેખ્યો છે. 

ચીખલી મુકામે આયોજિત વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીને પોતાના ઘરના ઘરની ચાવી અર્પણ કરીને લાભનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પોષણ વાનગી સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.

ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાએ મનરેગા યોજના અન્વયે રૂ. ૧૫ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલ ચીખલી ગ્રામ પંચાયતના નવા મકાનનું લોકાર્પણ કર્યું હતુ. ઉપરાંત મહાનુભાવોના હસ્તે સાવરકુંડલાની મેરીયાણા, કૃષ્ણગઢ, બગોયા ગ્રામ પંચાયત કચેરીને કોમ્પ્યુટર, પ્રિન્ટરના સેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. વણોટ, સાકરપરા સહિતની ગ્રામ પંચાયતોને વિવિધ વિકાસકામોના વર્કઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા.

વિકાસ સપ્તાહ કાર્યક્રમને સંબોધન કરતા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાએ જણાવ્યુ કે,  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વિકાસના મીઠાં ફળ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના ગામો સુધી પહોંચ્યા જેના થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવ્યુ છે.

ચીખલી ગ્રામ પંચાયત ખાતે આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરપર્સનશ્રી શારદાબેન મોર, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, ચીખલી ગ્રામ પંચાયત સરપંચશ્રી, અન્ય સરપંચશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આગેવાનો, સાવરકુંડલા મામલતદારશ્રી પંડ્યા, તાલુકા વિકાસ અધિકારીશ્રી વાઘાણી, ચીખલી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રી, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts