રાષ્ટ્રીય

શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણાં રસ્તા છે, અફઘાની વિદેશ મંત્રીની ભારતથી પાકિસ્તાનને ચેતવણી

ભારત બાદ પાકિસ્તાને હવે અફઘાનિસ્તાન સાથે સંઘર્ષ શરૂ કર્યો છે. પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈક બાદ તાલિબાને પણ વેર વાળ્યું છે. અફઘાનિસ્તાનની સેના દ્વારા કરાયેલા હુમલામાં પાકિસ્તાનના 58થી વધુ સૈનિકોના મોત થયા છે જ્યારે અનેક ઈજાગ્રસ્ત છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના વિદેશમંત્રી આમિર ખાન મુત્તાકી હાલ ભારતના પ્રવાસે છે. એવામાં તેમણે ભારતથી જ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તથા તેમણે એ પણ પુષ્ટિ કરી છે કે કતાર અને સાઉદી અરેબિયાની અપીલ બાદ જ અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો રોક્યો હતો. મુત્તાકીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે અમે વાતચીતથી શાંતિપૂર્ણ સમાધાન કરવા ઈચ્છીએ છીએ, પણ જો એવું ન થાય તો અમારી પાસે બીજા ઘણાં વિકલ્પ છે. પાકિસ્તાનના લોકો સાથે અમને કોઈ સમસ્યા નથી. અમુક એવા તત્ત્વો છે જે પરિસ્થિતિ ડહોળવા પ્રયાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન તેની સરહદ અને લોકોની રક્ષા કરશે.’ મુત્તાકીએ વધુમાં કહ્યું, કે ‘ગઇકાલે રાત્રે અમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું અને અમારા લક્ષ્ય હાંસલ કર્યા. અમારા મિત્ર રાષ્ટ્ર કતાર અને સાઉદી અરેબિયાએ યુદ્ધ રોકવા અપીલ કરી જે બાદ અમારા તરફથી હુમલા બંધ થયા. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.’ ભારતમાં મુત્તાકીએ કરેલી પત્રકાર પરિષદમાં તેમને છોકરીઓને શિક્ષણ આપવા મામલે સવાલ કરવામાં આવ્યો. જેના પર જવાબ આપતા તેમણે કહ્યું, કે ‘અફઘાનસિતમાં ઉલેમા, મદરેસાના દેવબંધ સાથે સંબંધ છે. અમારી શાળાઓમાં એક કરોડ વિદ્યાર્થી અભ્યાસ કરે છે જેમાં 28 લાખ મહિલાઓ અને છોકરીઓ છે. અમે શિક્ષણનો વિરોધ નથી કરતાં. શિક્ષણ હરામ નથી.’ 

Related Posts