રાષ્ટ્રીય

ટ્રમ્પના ભાષણ દરમિયાન ઈઝરાયલની સંસદમાં હોબાળો, ગાઝા સમર્થક બે સાંસદોની ટીંગાટોળી

બે વર્ષથી યુદ્ધ કરી રહેલી ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ સ્થાપનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ પહોંચી ગયા છે અને અહીં સંસદમાં ટ્રમ્પને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. બીજીતરફ સંસદમાં ટ્રમ્પના ભાષણ વચ્ચે ભારે હોબાળો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ટ્રમ્પના ભાષણ દરમિયાન ગાઝા સમર્થક બે સાંસદે તેમનો ભારે વિરોધ કર્યો છે. સંસદમાં ભારે સૂત્રોચ્ચાર થતાં સંસદનો માહોલ ગંભીર બની ગયો હતો. જોકે સુરક્ષા કર્મચારીઓ વિરોધી સાંસદોને તુરંત સંસદમાંથી બહાર ધકેલી દીધો છે.ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે ગાઝામાં ભારે સંકટમાં મુકાયું હતું, જોકે ટ્રમ્પે બંને વચ્ચે શાંતિ સમજૂતી કરાવતા હવે ગાઝામાં શાંતિનો રસ્તો સાફ થઈ ગયો છે. ત્યારબાદ ટ્રમ્પ ઈઝરાયેલી સંસદમાં પહોંચ્યા હતા, જ્યાં ટ્રમ્પનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર પણ આપ્યો હતો. જ્યારે ટ્રમ્પ સંસદ પહોંચ્યા હતા, ત્યારે સાંસદોએ તેમને અઢી મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પને ઈઝરાયલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો છે. આ પુરસ્કાર આપતી વખતે નેતન્યાહૂએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને શાંતિનો નોબેલ પુરસ્કાર ચોક્કસ મળશે. જોકે, આ વર્ષે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો નથી. નેતન્યાહૂએ કહ્યું કે, શાંતિનો નોબેલ પુરસ્કાર ટ્રમ્પને જરૂર મળશે, ભલે તેમાં સમય લાગે.ટ્રમ્પે સંસદમાં ગાઝા સમજૂતી અંગે મહત્ત્વનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘આજે 20 બહાદુર બંધકો પાછા આવી રહ્યા છે. આજે બંદૂકો શાંત છે, સાયરન શાંત છે. આ સદભાવનાની શરૂઆત છે. આ એક નવા મિડલ ઈસ્ટનો ઐતિહાસિક ઉદય છે. નેતન્યાહૂને પહોંચી વળવું સરળ નથી, પરંતુ આ જ બાબત તેમને મહાન બનાવે છે. આ ઈઝરાયલ અને વિશ્વ માટે એક મોટી જીત છે કે આ તમામ દેશો શાંતિ માટે ભાગીદાર તરીકે એકસાથે કામ કરી રહ્યા છે.’ ટ્રમ્પે બંધકોની મુક્તિ માટે હમાસ પર દબાણ લાવવા એક થયેલા અરબ દેશો અને મુસ્લિમ નેતાઓનો આભાર માન્યો હતો. સંસદમાં ટ્રમ્પની હાજરીમાં સંબોધન કરતાં નેતન્યાહૂએ કહ્યું કે, ‘અમે સાત ઓક્ટોબરને યાદ રાખીશું અને તેને ક્યારેય નહીં ભૂલીએ. એ રાક્ષસો અમારા બાળકોને અમારાથી દૂર લઈ ગયા હતા. મિસ્ટર પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથે મળીને આપણે શાંતિ હાંસલ કરીશું. અમે અબ્રાહમ સમજૂતી હેઠળ આ પહેલાં પણ કર્યું છે અને અમે ફરીથી કરીશું. આ જીત માટે આપણે મોટી કિંમત ચૂકવવી પડી છે.’ઈઝરાયલી સંસદમાં ટ્રમ્પની સાથે નેતન્યાહૂ પણ હાજર હતા. આ દરમિયાન સાંસદોએ નેતન્યાહૂ માટે પણ ખૂબ તાળીઓ વગાડી હતી. ટ્રમ્પના સંબોધન પહેલા નેસેજના સ્પીકર ઓહાનાએ લાંબો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં ગાઝા યુદ્ધવિરામ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ટ્રમ્પની ટીમના સભ્યોને પણ સાંસદોએ સન્માન આપ્યું હતું.આ પહેલા નેતન્યાહૂએ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને શાંતિ સ્થાપિત કરવાના પ્રતીકના ભાગરૂપે એક ‘ગોલ્ડન પીસ પીજન’ની ભેટ આપી હતી. આ ભેટ ટ્રમ્પ માટે અત્યંત ખાસ માનવામાં આવે છે.

Related Posts