અમરેલી

રાજુલાના હિંડોરણા ગામે પ્રેમ સંબંધના મનદુઃખમાં યુવક પર જીવલેણ હુમલો

રાજુલાન હિંડોરણા ગામે પ્રેમ સંબંધના મનદુઃખને કારણે ચાર જેટલા ઈસમોએ એક યુવક અને તેના પરિવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. પોલીસે હુમલો કરનારા ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રમેશભાઇ રામભાઇ તાણેચા (ઉ.વ.૨૭) એ દિનેશભાઇ વાઘાભાઇ, રાજુભાઇ વાઘાભાઇ, ભાવેશભાઇ વાઘાભાઇ તથા કિશનભાઇ રાજુભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે,
તેમના મોટા બાપુના દીકરા અરવિંદભાઈને હુમલાના મુખ્ય આરોપીની પત્ની કૈલાસબેન સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધને લઈને લગભગ સાત મહિના પહેલા અરવિંદભાઈ અને મુખ્ય આરોપી વચ્ચે માથાકૂટ થઈ હતી. તે સમયે તેમણે વચ્ચે પડીને બંનેને સમજાવ્યા હતા. આ બાબતનું મનદુઃખ અને દાઝ રાખીને હિંડોરણા ગામમાં આવેલી
પ્રાથમિક શાળાની સામે આરીફભાઈ કાસુભાઈ ઝાખરાના પાનના ગલ્લે બેઠા હતા, તે દરમિયાન મુખ્ય આરોપી સહિત અન્ય ત્રણ ઈસમો ત્યાં ધસી આવ્યા હતા. ચારેય ઈસમોએ ફરિયાદીને ગાળો આપીને હુમલો કર્યો હતો. એક આરોપીએ ફરિયાદીને લોખંડના પાઇપ વડે ડાબા હાથની કોણીથી નીચેના ભાગે અને ડાબા પગે સાથળથી નીચેના ભાગે ઘા માર્યા હતા. જ્યારે મુખ્ય આરોપીએ લોખંડના પાઇપનો એક ઘા ફરિયાદીના ડાબા પગના ઘૂંટણના ભાગે માર્યો હતો.
આ હુમલામાં ફરિયાદીના ભાઈ ભરતભાઈને પણ અન્ય બે આરોપીઓએ ઢીકાપાટુનો મુઢમાર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ ઝપાઝપીમાં ફરિયાદીના પત્ની રીંકલબેનને પણ નીચે પછાડી દેવામાં આવ્યા હતા. હુમલાના અંતે મુખ્ય આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.જે. કાતરીયા વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts