અમરેલી

બગસરા નગરપાલિકાની સ્વચ્છતાની રેલી નજીક ગંદકીના ગંજ ખડકાયા

રાજય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે લોકોને જાગૃત કરવામાં આવે છે પરંતુ નગરપાલિકા દ્વારા જ શાકમાર્કેટમાં ગંદકીના ગંજ ખડકી અને કચરાના ઢગ પાસેથી જ સ્વચ્છતાની રેલી નીકળતા પાલિકાની કામગીરી સામે આક્રોશ ફેલાયો છે. રાજયમાં સ્વચ્છતા અને વિકસીત ભારતના શપથ લેવડાવવામાં આવે છે ત્યારે બગસરા પાલિકા દ્વારા વિકસીત ભારત અને સ્વચ્છતા માટે શપથ લેવડાવવામાં આવી રહ્યાં છે ત્યારે તેના ભાગરૂપે પાલિકા દ્વારા સ્વચ્છતાની રેલી કાઢવામાં આવી હતી. જો કે રેલી નજીક જ શાકમાર્કેટ પાસે ગંદકીના ગંજ ખડકાયા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ દિવાળીનો તહેવાર નજીક હોય ત્યારે વેપારીઓ દુકાનની સાફ-સફાઈ કરતા હોય જેથી ગંદકીનું પ્રમાણ વધવા પામ્યુ છે. શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે પણ શાકભાજીના વેપારીઓે સડેલા શાકભાજી ફેંકતા હોવાથી આસપાસના દુકાનદારોને બેસવું મુશ્કેલ થઈ પડ્યુ છે. આ અંગે દુકાનદારોએ જણાવ્યું હતું કે, દુકાનના ઓટા પર સડેલા શાકભાજી ફેંકવામાં આવે છે આ બાબતે યાર્ડના સંચાલકો યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.

Related Posts