ગુજરાત

બધુ પાર્ટી વિરોધી મુકો છો તો તમે શું સમજો છો, એટ્રોસિટીમાં ફસાવી દઈશ…’, ભાજપ કાર્યકર્તા અને લઘુમતી મોર્ચાના પ્રમુખ વચ્ચે બોલાચાલી

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભાજપના લઘુમતી મોર્ચાના પ્રમુખ સલીમ મુલતાનીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બાબતે તાલુકા ભાજપ પ્રમુખ અને આદિજાતિ મોરચાના પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ પરિમલ સોલંકી તેમજ જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ અમિત પટેલ દ્વારા સલીમ મુલતાનીને એટ્રોસિટીના કેસમાં ફસાવાની ધમકી આપી હોવા મામલે સલીમએ વાલોડ પીઆઈ અને તાપી જિલ્લા પ્રમુખ સહિત ભાજપના પ્રભારી-મંત્રીને લેખિતમાં અરજી કરી છે. ભાજપના લઘુમતી મોર્ચાના પ્રમુખ સલીમ મુલતાની, પરિમલ સોલંકી અને અમિત પટેલ ત્રણેયનો વાતચીતનો ઓડિયો વાઈરલ થયો છે. ઓડિયોમાં સલીમને પરિમલ કહે છે કે, ‘તમે ગ્રુપ પાર્ટી વિરોધ કેમ મુકો છો, આ બધુ મુકવાનું બંધ કરો…’જ્યારે ઓડિયોમાં અમિત ધમકાવતા સ્વરે કહે છે કે, ‘તમે ભાજપમાં છો કે બીજી પાર્ટીમાં. ભાઈ તમને ખ્યાલ નથી આવતો, બધુ પાર્ટી વિરોધી મુકો છો તો તમે શુ સમજો છો. તને ખબર નથી પડતી, એટ્રોસિટીમાં ફસાવી દઈશ તો લોહી પણ નીકળશે નહીં. અમારા ભાજપના ધારાસભ્યની વિરુદ્ધમાં મુકે એટલે તું શું કેવા માગે છે. માપમાં રેજે….’સમગ્ર મામલે સલીમ મુલતાનીએ વાલોડ પીઆઈ અને પ્રદેશ મહામંત્રી ભાજપ સંગઠન, જિલ્લા પ્રમુખ અને પ્રભારીને લેખિતમાં અરજી કરીને જાણ કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘હું 28 વર્ષથી BJPમાં સક્રિય રીતે કામ કરું છું.  17 ઓક્ટોબર, 2025ના રોજ 3:44 વાગ્યે ફોન પર પરિમલ અને અમિતે એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી મારો પરિવાર ખુબજ ચિંતામાં છે.’

Related Posts