અમરેલી

રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ કાયદા અને ન્યાય તંત્ર વિભાગનો પદભાર સંભાળ્યો: નાગરિકોને ઝડપી ન્યાય આપવા પર ભાર

કાયદા અને ન્યાય તંત્ર વિભાગના રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ આજે મંત્રી તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ નવા સચિવાલય સ્થિત કાયદા અને ન્યાય તંત્ર વિભાગની મુલાકાત લીધી હતી અને વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્યની પ્રજાને સમયસર અને ઝડપી ન્યાય મળી રહે તે માટેના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાલમાં અમલમાં આવેલ ૩ નવા કાયદા અનુસાર રાજ્યની પ્રજાને ઘરઆંગણે ઝડપથી સમયબદ્ધ ન્યાય મળી રહે તે માટે જરૂરી ચર્ચા કરી સૂચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ન્યાયની પ્રક્રિયા દરમિયાન કોર્ટ બિલ્ડિંગોમાં તમામ જરૂરી સંસાધનોયોગ્ય માળખાગત સુવિધાઓ તેમજ પૂરતી આંતરમાળખાકીય સવલતો મળી રહે તે માટે વિગતવાર ચર્ચા કરીને સૂચનો આપવામાં આવ્યા હતા.

ત્રણેય નવા કાયદામાં તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓમાં ટેકનોલોજી પર મુકાયેલા ભાર અને મહત્ત્વને ધ્યાને લઇગુજરાત રાજ્યની અદાલતોમાં ન્યાયિક પ્રક્રિયામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીસમયબદ્ધ ન્યાય મળી રહે તે માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. બીજી તરફ રાજ્યમાં તમામ તાલુકા મથકોએ કોર્ટ બિલ્ડિંગો તમામ સુવિધાયુક્ત બને અને પક્ષકારોને ત્વરિત બિનખર્ચાળ ન્યાય પ્રાપ્ત થાય તે માટે આવશ્યક સૂચનાઓ આપવામાં આવી છે.

પોક્સો (POCSO) એક્ટ હેઠળ તેમજ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ નોંધાયેલા તમામ કેસો સમયસર હજુ ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી પગલાંઓ લેવા ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત વકફ કાયદા હેઠળ સ્થાપિત વકફ ટ્રિબ્યુનલ તેમજ બોર્ડમાં ન્યાય નિર્ણય માટે પડતર રહેલ કેસોનો સમયસર નિકાલ થાય તે માટે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

Related Posts