રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અમરેલી તેમજ નગરપાલિકા સાવરકુંડલા દ્વારા કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને રંગારંગ “નાવલી ઉત્સવ” યોજાયો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાવરકુંડલા શહેરની ઐતિહાસિક ધરોહર સમાન નાવલી નદીના પટાંગણમાં મહાનુભાવોએ શહેરની અસ્મિતાના ઓવારણા લીધા હતા.
આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી વેકરીયાએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત સાવરકુંડલા શહેરમાં ઉજવાઈ રહેલો “નાવલી ઉત્સવ” એ વિકાસ સાથે વિરાસતની જતનનું પ્રતિક છે. ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી સાવરકુંડલા શહેરને આગામી દિવસમાં ભવ્ય નાવલી રીવરફ્રન્ટની ભેટ મળવા જઈ રહી છે. વિકાસની આ યાત્રામાં ટીમ અમરેલી આગામી દિવસોમાં એક થઈને સતત પ્રયાસો કરતી રહેશે. આ અવસરે રાજય મંત્રીશ્રીએ સાવરકુંડલા સહિત જિલ્લાના નાગરિકોને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી રાજ ગઢવી, શ્રી અપેક્ષાબેન પંડ્યા, લોક સાહિત્યકાર શ્રી કિશનભાઇ રાદડિયા સહિતના કલાકારોએ સંગીત અને સાહિત્યનો રસથાળ પીરસ્યો હતો.
વધુમાં કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરીજનોને ‘હર ઘર સ્વદેશી અભિયાન‘ અંતર્ગત સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરવાનો આગ્રહ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે કથાકારશ્રી, ‘જીગ્નેશ દાદા રાધે રાધે‘ એ ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, ધારી બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી, જે.વી કાકડીયા, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલ ભાઈ ત્રિવેદી, પ્રાંતઅધિકારીશ્રી સાવરકુંડલા, ઝીલ પટેલ, યુવા વિકાસઅધિકારીશ્રી પરમાર, સંતો, નગરજનો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments