દિવાળીના શુભ પર્વની ઉત્સાહભેર ઉજવણી વચ્ચે સોના-ચાંદીની ખરીદી કરવા ઈચ્છુક લોકો માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચાંદી 17,000 રૂપિયા સસ્તી થઈ છે, જ્યારે સોનાની કિંમતમાં 5,000 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે આ તહેવારોમાં ખરીદીની શાનદાર તક ઊભી થઈ છે.અહેવાલો અનુસાર, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (MCX) પર 16મી ઓક્ટોબરના રોજ ચાંદીનો ભાવ 1 લાખ 70 હજાર રૂપિયાને વટાવી ગયો હતો, પરંતુ આજે (20મી ઓક્ટોબર) તે ઘટીને 1 લાખ 53 હજાર રૂપિયા થઈ ગયો છે. આનો અર્થ એ થયો કે ભાવ તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી 17,000 રૂપિયા ઘટી ગયો છે. ફક્ત આજે જ ચાંદીનો ભાવ પ્રતિ કિલો આશરે 4 હજાર રૂપિયા ઘટ્યો છે.MCX પર સોનાની વાત કરીએ તો 16મી ઓક્ટોબરના રોજ સોનું પ્રતિ 10 ગ્રામ 1,32,000 રૂપિયા સુધી પહોંચી ગયું હતું, પરંતુ આજે (20મી ઓક્ટોબર) તે 1 લાખ 26 હજાર રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. આનો અર્થ એ થયો કે સોનાનો ભાવ તેના રેકોર્ડ ઊંચા ભાવથી 5 હજાર રૂપિયાથી વધુ ઘટી ગયો છે. જો કે, આજે તેના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.ભારતીય બુલિયન માર્કેટ (IBJA)માં સોનાના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. 17મી ઓક્ટોબરે 24 કેરેટ સોનાનો ભાવ 1,30,834 રૂપિયા હતો, પરંતુ આજે (20મી ઓક્ટોબર) તે ઘટીને 1,26,730 રૂપિયા થઈ ગયો છે. આ 24 કેરેટ સોનાના ભાવમાં 4,000 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે, IBJA પર સોનાના દર 17મી ઓક્ટોબરથી અપડેટ કરવામાં આવ્યા છે. જ્યારે 23 કેરેટ સોનું 4,000 રૂપિયા ઘટીને 1,26,223 રૂપિયા થયું છે. 22 કેરેટ સોનું આજે 3,000 રૂપિયાથી વધુ ઘટીને 1,16,085 રૂપિયામાં ઉપલબ્ધ છે. 18 કેરેટ સોનું 3,000 રૂપિયા ઘટીને 95,048 રૂપિયામાં ઉપલબ્ધ છે.17મી ઓક્ટોબરના રોજ IBJA પર ચાંદીનો ભાવ 1,71,275 રૂપિયા પ્રતિ કિલો હતો. જોકે, આજે તેનો ભાવ 11,000 રૂપિયાથી વધુ ઘટીને 1,60,100 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આનો અર્થ એ થયો કે ચાંદી ખરીદનારાઓ માટે આ એક શ્રેષ્ઠ તક હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, IBJA.com પર અપડેટ કરાયેલા દરો GST અને મેકિંગ ચાર્જ વગરના છે. જ્યારે તમે ઘરેણાં ખરીદો છો ત્યારે મેકિંગ ચાર્જ અને ટેક્સ વસૂલવામાં આવશે.
Recent Comments