અમરેલી

જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદથી ૧૭ વર્ષની કિશોરીના બાળલગ્ન અટકાવ્યા

એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ્‌ મહિલા હેલ્પલાઇનની મદદથી ૧૭ વર્ષની કિશોરીના બાળલગ્ન થતાં અટકાવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ૧૮૧ અભયમ્‌ ટીમના કાઉન્સિલર ઈશા મેર, કોન્સ્ટેબલ મીરાબેન અને પાયલટ રોહનભાઇ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં પહોંચી પરિવારજનોએ કિશોરીના લગ્નનું આયોજન કર્યું હોવાથી તેના પરિવાર સાથે ચર્ચા કરીને કિશોરીના ડોક્યુમેન્ટની ચકાસણી કરી હતી, જેમાં કિશોરીની ઉંમર ૧૭ વર્ષ હોવાનું જણાયું હતું. આથી આ ટીમે સ્થાનિક પોલીસ અને બાળસુરક્ષા અધિકારીને જાણ કરી હતી. જેના પગલે બાળ સુરક્ષા અધિકારીએ સ્થળ પર જઇને કિશોરી અને તેના પરિવાર સાથે ચર્ચા કરી હતી. કિશોરીના પરિવારજનોએ જણાવેલું કે કિશોરીના લગ્ન આવતીકાલે છે અને આજે હલ્દીની રસમ છે. અધિકારીએ કિશોરીની કંકોત્રીની ચકાસણી કરેલ. અધિકારીએ યુવતીના પરિવારજનોને જણાવ્યું કે બાળલગ્ન અધિનિયમ-૨૦૦૬ મુજબ કન્યાની ઉમર ૧૮ વર્ષ અને વરની ઉમર ૨૧ વર્ષથી ઓછી હોય તો તે કાયદા મુજબ બાળલગ્ન ગણાય અને જો આવા બાળલગ્ન કરવામાં આવે તો તેનાથી થતી સજા અને દંડની વિવિધ જોગવાઇઓ વિશે તેમને સંપૂર્ણ માહિતગાર કરેલ. અંતે પરિવારે લેખિતમાં જણાવ્યું હતું કે, આ લગ્ન બંધ રાખીએ છીએ અને મારી પુત્રીની ઉંમર કાયદા મુજબ પૂર્ણ થશે ત્યારે અમે લગ્નનું આયોજન કરીશું.

Related Posts