રાષ્ટ્રીય

GSTમાં ઘટાડાના કારણે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને તહેવારોની રોનક વધી: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (26મી ઓક્ટોબર) ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમના 127માં એપિસોડમાં દેશ અને વિદેશના લોકો સાથે વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા. તેમણે તહેવારોની સિઝનમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં થયેલા જંગી વધારા અને સ્વચ્છતાની પહેલની પ્રશંસા કરી હતી.’મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આ વર્ષે સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે ઉછાળો આવ્યો છે અને ઉત્સવની ભાવના પહેલા કરતાં વધુ ઉત્સાહ સાથે જોવા મળી રહી છે. લોકો GST બચત મહોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તહેવારો દરમિયાન બજારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં જબરદસ્ત વધારો થયો છે.’વધુમાં તેમણે ખાદ્ય તેલના વપરાશમાં 10 ટકા ઘટાડો કરવાના પોતાના આગ્રહનો પણ ઉલ્લેખ કર્યો, જેના પર લોકોએ ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા માટેના એક અનોખા પગલા બદલ છત્તીસગઢના અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રશંસા કરી. તેમણે કહ્યું, ‘છત્તીસગઢના અંબિકાપુરમાં ગાર્બેજ કાફે ચલાવવામાં આવી રહ્યા છે. આ કાફે એવા છે જ્યાં પ્લાસ્ટિકના કચરાના બદલામાં તમને સંપૂર્ણ ભોજન મળે છે. આ પહેલ હેઠળ, જો કોઈ વ્યક્તિ એક કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક લાવે છે, તો તેને લંચ કે ડિનર આપવામાં આવે છે, અને જો તે અડધો કિલોગ્રામ પ્લાસ્ટિક લાવે છે, તો તેને નાસ્તો મળે છે.’સુરક્ષા દળોમાં સ્વદેશી શ્વાનોના મહત્ત્વને બિરદાવતા પીએમ મોદીએ કહ્યું કે, ‘ગયા વર્ષે લખનઉમાં ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં રિયા નામના શ્વાને બધાનું ધ્યાન ખેંચ્યું. તે BSF દ્વારા તાલીમ પામેલો મુધોલ હાઉન્ડ શ્વાન છે, જેણે ઘણી વિદેશી જાતિઓને હરાવીને પ્રથમ ઈનામ જીત્યું.’ આ ઉપરાંત તેમણે છત્તીસગઢમાં માઓવાદી પ્રભાવિત વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે 8 કિલોગ્રામ વિસ્ફોટકો શોધી કાઢનાર એક સ્વદેશી CRPF શ્વાનની પણ પ્રશંસા કરી.પર્યાવરણ અંગે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેન્ગ્રોવ્સના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, ‘જેમ પર્વતો અને મેદાનોમાં જંગલો જમીનને એકસાથે રાખે છે, તેવી જ રીતે દરિયાકિનારા પર મેન્ગ્રોવ્સ પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે. મેન્ગ્રોવ્સ ખારા પાણીમાં ઉગે છે અને સુનામી કે ચક્રવાત જેવી કુદરતી આફતો દરમિયાન દરિયાકિનારાનું રક્ષણ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.’

Related Posts