અમરેલી

ખાંભાના ગીદરડી ગામે સિંહણે યુવક પર હુમલો કર્યો, માલધારી ઈજાગ્રસ્ત

ખાંભા તાલુકાના ગીદરડી ગામે આજે બપોરે સિંહણ દ્વારા એક માલધારી યુવક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં યુવક ઈજાગ્રસ્ત થયો છે.અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીદરડી ગામે આજે બપોરે સિંહણ દ્વારા એક માલધારી યુવક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં યુવક ઈજાગ્રસ્ત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગીદરડી ગામના વસંતભાઈ ભાયાભાઈ કબારિયા નામના માલધારી યુવક પોતાના પશુઓ ચરાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. સિંહણના આ હુમલામાં યુવકને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.હુમલો થતાં જ આસપાસના લોકો એકઠા થયા હતા અને સિંહણને દૂર ભગાડતા માલધારી યુવકનો આબાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત વસંતભાઈને તાત્કાલિક સારવાર માટે ખાંભાની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ થતા જ ખાંભા વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહણની હિલચાલ અને હુમલાના સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે ગીદરડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. વન વિભાગે ગ્રામજનોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

Related Posts