રાષ્ટ્રીય

યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, આખા દેશમાં વીજળી ગુલ, 2ના મોત

યુક્રેનના ઉર્જા માળખા પર રશિયા સતત મોટા પ્રમાણમાં હુમલા કરી રહ્યું છે. ત્યારે રશિયાના વધુ એક હુમલા બાદ ગુરુવારે (30 ઓક્ટોબર) યુક્રેનના તમામ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. યુક્રેનમાં અંધારપટ છવાતા યુક્રેનના વડાપ્રધાને મોસ્કોની આ રણનીતિને ‘સુનિયોજિત ઉર્જા આતંક’ ગણાવી.

અધિકારીઓના અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા અને 17 લોકો ઘાયલ થયા છે, જેમાં 2 થી 16 વર્ષના બાળકો પણ સામેલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયાએ આ હુમલામાં 650થી વધુ ડ્રોન અને અનેક પ્રકારની 50થી વધુ મિસાઈલો છોડી હતી.રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને બુધવારે દાવો કર્યો હતો કે, રશિયાના સૈનિકોએ યુક્રેનના બે ખાસ શહેરોમાં યુક્રેનના સૈનિકોને ઘેરી લીધા છે અને તેને સરેન્ડર કરવા માટે ડીલ કરવાની ઓફર આપી. જોકે, યુક્રેનના મિલિટ્રી અધિકારીઓએ આ દાવાને ફગાવ્યો છે.બીજી તરફ હાલમાં જ રશિયાએ પાણીની અંદર પરમાણુ સબમરીન ડ્રોનનું પરીક્ષણ કર્યું છે, જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને આ અંગે જાહેરાત કરી હતી. પુતિનની જાહેરાતથી અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં હડકંપ મચ્યો છે. પરિણામે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક પરમાણુ પરીક્ષણનો આદેશ આપ્યો છે.પોસાઇડન(Poseidon) નામના આ ડ્રોનની ક્ષમતાઓ વિશે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પુતિને જણાવ્યું હતું કે પરમાણુ-સક્ષમ ઓટોમેટિક સબમરીન ડ્રોન પોસાઇડનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે રશિયાની સૌથી શક્તિશાળી સર્મત(Sarmat) મિસાઇલ કરતાં વધુ શક્તિશાળી છે. પોસાઇડન ડ્રોનનું પરીક્ષણ સબમરીનમાંથી કરવામાં આવ્યું હતું. આ ડ્રોન એક પરમાણુ પાવર પ્લાન્ટથી સજ્જ છે જે મોટી સબમરીનના રિએક્ટર કરતાં 100 ગણું નાનું છે. પુતિને એમ પણ કહ્યું હતું કે સર્મત મિસાઇલ ટૂંક સમયમાં રશિયાની સેનામાં સામેલ કરવામાં આવશે.

Related Posts