અમરેલી

વડીયાના ખાખરીયા ગામના ગરનાળા પાસે મૈત્રીકરારના મનદુઃખમાં હુમલો

વડીયાના ખાખરીયા ગામના ગરનાળા પાસે મૈત્રીકરારના મનદુઃખમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને આંતરીને મરચાં નાખી,પાઇપ અને લાકડીથી મારવામાં આવ્યો હતો. બનાવ અંગે જેતપુરમાં રહેતા રણજીતભાઇ રઘુભાઇ શેખવા (ઉ.વ.૩૦)એ ભેંસાણ તાલુકાના સાંકરોળા ગામના અનકભાઇ દાદભાઇ બસીયા તથા દીપુભાઇ જીલુભાઇ બસીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમણે અનકભાઇ દાદભાઈ બસીયાના પૂર્વ પત્ની સાથે મૈત્રીકરાર કર્યો હતો. આ મનદુઃખને કારણે બંને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને તેમના વાહનને ગેરકાયદેસર રીતે અવરોધ કર્યો હતો અને તેમને જાહેરમાં રસ્તા પર રોક્યા હતા. હુમલા દરમિયાન, આરોપીઓએ સૌપ્રથમ ફરિયાદીના મોઢા અને આંખોમાં ચટણી (મરચાંનો પાવડર) નાખી દીધી હતી, જેનાથી તેમની આંખોને સામાન્ય ઇજા થઈ હતી. ત્યારબાદ, લાકડી વડે માર માર્યો હતો, જેના કારણે ફરિયાદીના માથાના ભાગે બે ટાંકા લેવા પડે તે રીતની મહાવ્યથા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.એમ. કાછેલા બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts