ગુજરાત

એકતા અને વીરતાનો સંગમ, રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં 21 બહાદુર વીરોનું કરાયું સન્માન

આ તમામ શૌર્યચક્ર વિજેતાઓએ દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રની એકતા માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે, ‘ઓપરેશન સિન્દૂર’ દરમિયાન સાહસ અને બહાદુરીથી શ્રેષ્ઠ કામગીરી કરનાર 21 શૌર્યચક્ર વિજેતા અધિકારીઓ અને જવાનોએ મુલાકાત લીધી હતી. આ વીર જવાનોમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના અધિકારીઓ અને જવાનોનો સમાવેશ થાય છે. આ તમામ શૌર્યચક્ર વિજેતાઓએ દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રની એકતા માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.એકતા નગર ખાતે ઉપસ્થિત રહેલા 21 શૌર્યચક્ર વિજેતાઓમાં BSFના 16 અધિકારીઓ અને જવાનો તેમજ CRPFના 5 અધિકારીઓ અને જવાનોનો સમાવેશ થાય છે. BSFની યાદીમાં ડીસી રવિન્દ્ર રાઠોડ, ઇન્સ્પેક્ટર દેવિલાલ, હેડ કૉન્સ્ટેબલ સાહિબસિંહ, અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આલોક નેગી જેવા બહાદુર જવાનો હતા, જ્યારે CRPF તરફથી ડીસી વિક્રાંતકુમાર, ઇન્સ્પેક્ટર જેફ્રી હમિંગચુલ્લો અને કૉન્સ્ટેબલ સદ્દામ હુસેન સહિતના વીર જવાનોએ ગૌરવભેર હાજરી આપી હતી. તેમની ઉપસ્થિતિથી રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ વધુ ગૌરવશાળી બન્યો હતો.આ બહાદુર અધિકારીઓ અને જવાનોની એકતા નગરની મુલાકાત સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ બની રહી. રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં તેમની હાજરી સરદાર પટેલના એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમના આદર્શોનું જીવંત પ્રતિબિંબ પૂરું પાડે છે. તેમના દ્વારા પ્રદર્શિત કરાયેલ સાહસ, વીરતા અને ફરજ પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતા દેશની સુરક્ષા અને શાંતિ માટેની તેમની નિષ્ઠાનું પ્રતિક છે. આ વીર જવાનોએ સાબિત કર્યું છે કે દેશની સુરક્ષા એ દરેક નાગરિક અને જવાનની સામૂહિક જવાબદારી છે.

Related Posts