રાષ્ટ્રીય

રાજસ્થાનથી ડૉક્ટરે બંગલાની ચોરીને બનાવ્યો ‘લાઇવ ટ્રેક’: હાઈ-ટેક એલાર્મથી ફેલ થયો નેપાળી ગેંગનો પ્લાન

સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી એક ચોરીની ઘટના ફિલ્મી સ્ટાઇલમાં બની અને તેટલી જ નાટકીય રીતે નિષ્ફળ પણ રહી. ડૉ. રાજેશ ત્રિવેદીના બંધ બંગલામાં ઘૂસેલા ચોરો માટે આ ‘મિશન’ સરળ લાગતું હતું, પરંતુ રાજસ્થાનમાં બેઠેલા ડૉક્ટરે સ્માર્ટ ટેક્નોલોજીના સહારે આખી ચોરીને લાઇવ જોતા જ પોલીસે એલર્ટ આપી દીધું — અને ચોરોનો આખો પ્લાન પાણીમાં વહી ગયો.

CCTV એલાર્મથી ચોરોનો પ્લાન ફેલ

અડાજણ વિસ્તારના રણછોડ પાર્ક સોસાયટીમાં રહેતા ડૉ. રાજેશ ત્રિવેદી દીવાળીના વેકેશનમાં પરિવાર સાથે રાજસ્થાન ગયા હતા. 31 ઑક્ટોબરના રોજ બપોરે લગભગ 4.15 વાગ્યે તેમના બંધ બંગલા નં. 02માં બે અજાણ્યા લોકો ઘૂસ્યા. ઘરમાં પ્રવેશતા જ CCTV સુરક્ષા સિસ્ટમ સક્રિય થઈ અને ડૉ. ત્રિવેદીના મોબાઈલ પર સીધો એલર્ટ મળ્યો.

રાજસ્થાનમાં બેઠા ડૉક્ટરે તરત જ કેમેરા ફીડ ચેક કરી અને અજાણ્યા ચહેરા જોતા વિલંબ કર્યા વગર પાડોશીઓ, પરિવારજનો અને પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરીને એલર્ટ કર્યા. ડૉક્ટરનો ફોન મળતા જ પડોશીઓ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ચોરોને ખબર પડી કે પોલીસ આવી રહી છે, ત્યારે તેઓએ ઘરમાંથી માત્ર રૂ. 3,000 રોકડા લઈને ભાગવાનો પ્રયાસ કર્યો.

પોલીસની સામે જ ભાગ્યા ચોર

જ્યારે પોલીસની પી.સી.આર. વાન અને ડૉક્ટરના સંબંધીઓ બંગલા પાસે પહોંચ્યા, ત્યારે બંગલાની અંદર રહેલા બે ચોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો. બહાર નીકળતા સમયે તેમણે ડૉ. ત્રિવેદીના સાળાને ધક્કો મારી દીધો અને પોલીસની નજર સામે જ ફિલ્મી અંદાજમાં ત્યાંથી ભાગી છૂટ્યા. ઘટના એટલી ઝડપથી બની કે આસપાસના રહેવાસીઓ પણ ચોંકી ગયા.

આ ચોરીની માહિતી બાદ અડાજણ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત તપાસ શરૂ કરી. સતત ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને અમરોલી પાલનપુર ઉગત કેનાલ રોડ પરથી ઝડપી પાડ્યા.

છ સભ્યોની ગેંગમાંથી ત્રણ ઝડપાયા

પોલીસ પૂછપરછમાં ખુલ્યું કે ચોરીનો પ્લાન છ નેપાળી યુવાનોની ટોળકીએ મળીને રચ્યો હતો. જેમાંથી ઝડપાયેલા ત્રણ લોકો બંગલાની બહાર વોચમેન તરીકે નજર રાખી રહ્યા હતા, જ્યારે બાકી બે શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ ચોરો અગાઉ પણ સુરત શહેરના અન્ય વિસ્તારોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની આશંકા છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 40,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન કબ્જે કર્યા છે, જ્યારે બાકી ત્રણ ફરાર સહઆરોપીઓની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તજવીજ શરૂ કરી છે.

ટેક્નોલોજીથી બચ્યો મોટો નુકસાન

આ આખી ઘટનાએ ફરી સાબિત કર્યું કે આધુનિક સુરક્ષા ઉપકરણો — ખાસ કરીને સ્માર્ટ CCTV સિસ્ટમ — ચોરી જેવી ઘટનાઓને રોકવામાં કેટલા અસરકારક બની શકે છે. ડૉ. ત્રિવેદી દ્વારા રાજસ્થાનમાં બેઠા-બેઠા કરાયેલું ઝડપી એલર્ટ માત્ર સંપત્તિ જ નહીં પરંતુ એક મોટા ગુનાહિત કાવતરાને પણ નિષ્ફળ બનાવવામાં મદદરૂપ સાબિત થયું છે.

Related Posts