સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટેના ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચરો તૈયાર કરવાના સંકલ્પ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા ‘અપને અપને શ્યામ કી’ના મધ્યસ્થ કાર્યાલયનું તારીખ 5-11-2025 રોજ સાંજે 5:00 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જળસંચયની પ્રવૃત્તિમાં છેવાડાના માણસને જોડવાના ઉદ્દેશથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દરરોજ રાત્રે 8 થી 12 દરમિયાન પ્રસિદ્ધ કવિ, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસ ‘જલકથા: અપને અપને શ્યામ કી’ના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણના જીવનના વિવિધ પાસાઓને પાણીના મહત્વ સાથે જોડીને રસપ્રદ રીતે રજૂ કરશે. પાણીના સંરક્ષણ અને સદુપયોગ માટે જનજાગૃતિ ફેલાવવાનો આ એક અનોખો પ્રયાસ છે. જલકથાનો મુખ્ય ઉદ્દેશ લોકોને જળસંરક્ષણના મહાયજ્ઞમાં જોડીને સૌરાષ્ટ્ર અને ગુજરાતને જળસમૃદ્ધ બનાવવાનો છે.
જળકથાના આયોજનના અનુસંધાનમાં જળ યજ્ઞની પ્રવાહિતતા સતત જળવાઈ રહે તે હેતુથી શરૂ કરવામાં આવનાર જળકથાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ‘ઉમા સદન‘, જે.કે. ચોક પાસે, ઉમા સદન રોડ, યુનિવર્સિટી રોડ પાસે, રાજકોટ ખાતે આર્ષ વિદ્યા મંદિર મુંઝકાના સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ કરશે. આ પ્રસંગે રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં ગીરગંગાના કાર્યકરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહેશે.
જળ એ જ જીવન છે. પાણી વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે.
પાણીનું એક એક ટીપું અમૂલ્ય છે અને તેનું સંરક્ષણ કરવું એ સમયની માંગ છે ત્યારે જનથી જન સુધી જળસંચયનો સંકલ્પ ભારત માતાને અર્પણ સ્વરૂપ જળકથાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા તમામ નગરજનો, આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાના અગ્રેસરોને ઉપસ્થિત રહેવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે. આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ સરધારા, શૈલેશભાઈ જાની, કૌશિકભાઈ સરધારા વગેરે લોકોજહેમત ઉઠાવી રહયા છે.

















Recent Comments