અમરેલી

સાવરકુંડલાની વી.ડી.કાણકીયા કોલેજ ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં સમૂહગાન કરવામાં આવ્યું

સાવરકુંડલા: ભારતની આઝાદીની ચળવળના પ્રેરણાસ્રોત અને રાષ્ટ્રભાવનાના પ્રતીક એવા
રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની સાવરકુંડલાની પવિત્ર
ધરતી પર ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે, શ્રી વી.ડી.કાણકીયા કોલેજ ખાતે એક વિશેષ
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય ઉત્સવમાં સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની વિશેષ
ઉપસ્થિતિ રહી હતી, જેમણે કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય મહાનુભાવો સાથે મળીને
રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા એ જણાવ્યું હતું કે ‘વંદે માતરમ’ માત્ર
એક ગીત નથી, પરંતુ તે રાષ્ટ્રભાવના, એકતા અને ત્યાગનું અમર પ્રતીક છે. આ ગીતના પ્રત્યેક
શબ્દમાં માતૃભૂમિ પ્રત્યેની અખંડ ભક્તિ અને દેશને સ્વદેશી ચેતનાથી ઊર્જિત કરનાર પ્રેરક સંદેશ
સમાયેલો છે.
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ આ અવસરને યાદગાર બનાવતા, યુવાનોને ‘વંદે માતરમ’ના
મૂળ ભાવને સમજીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું
હતું કે, આ ગીતે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની પ્રેરણા આપી
હતી અને આજે પણ તે આપણી રાષ્ટ્રીય એકતાનો આધારસ્તંભ છે.

આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ઉત્સાહભેર સમૂહગાનમાં ભાગ લીધો હતો, જેનાથી
કોલેજનું વાતાવરણ દેશભક્તિની ઉષ્માથી ભરાઈ ગયું હતું. આ ઉજવણીએ નવી પેઢીને દેશના
મહાન વારસા અને સ્વાતંત્ર્ય સંગ્રામના મૂલ્યોથી પરિચિત કરાવવાનું સુંદર કાર્ય કર્યું.

Related Posts