મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપની સાથે જોડાયેલા કથિત જમીન કૌભાંડ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. વિપક્ષે રાજ્ય સરકારને સાણસામાં લેવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ગંભીર આક્ષેપો કરી કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં રૂ.1800 કરોડની સરકારી જમીન, જે દલિતો માટે આરક્ષિત હતી, તે માત્ર રૂ.300 કરોડમાં મંત્રીજીના પુત્રની કંપનીને વેચી દેવામાં આવી. આ સોદામાં સ્ટેમ્પ ડ્યુટી પણ હટાવી દેવામાં આવી, એટલે કે એક તો લૂંટ અને ઉપરથી કાયદાકીય મંજૂરીમાં પણ છૂટ!’રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘વૉટ ચોરી કરીને બનેલી મહારાષ્ટ્ર સરકારે જમીન ચોરી કરી છે. આ સરકારનું માનવું છે કે, જેટલું લૂંટવું હોય તેટલું લૂંટી લો, વૉટ ચોરી કરીને ફરી સત્તામાં આવી જઈશું. આ સરકારને લોકશાહીની ચિંતા નથી તેમજ પ્રજા અને દલિતોના અધિકારોની પણ ચિંતા નથી.’આ ઘટનાક્રમ વચ્ચે એક મોટી માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કૌભાંડનો મામલો સામે આવ્યા બાદ કંપનીનો કાયદેસર અધિકાર ધરાવતા દિગ્વિજય પાટિલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે કંપનીના મુખ્ય પદે રહેલા પાર્થ પવાર વિરુદ્ધ પણ કેસ નોંધાવાની સંભાવના છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્થ પવારે જે કંપની દ્વારા સરકારી જમીન ખરીદી હતી, તે કંપનીમાં તેઓ પદ પર હતા. તેથી પાર્થ પવાર વિરુદ્ધ પણ કેસ નોંધાવાની સંભાવના છે. તપાસમાં પાર્થ પવારનું નામ સામે આવશે તો FIRમાં તેમનું નામ જોડવામાં આવી શકે છે. પુણે જમીન કૌભાંડ અંગે બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.પુણેના કોરેગાંવ પાર્ક જેવા પોશ વિસ્તારમાં 1800 કરોડની કિંમત ધરાવતી સરકારી જમીન પાર્થ પવાર તથા તેમના ભાગીદારોને ફક્ત 300 કરોડ રુપિયામાં પધરાવી દેવાઈ હોવાનો તથા આ જમીન સોદાના દસ્તાવેજ પર ફક્ત 500 રુપિયાની સ્ટેમ્પ ડયૂટી લેવાઈ હોવાના ઘટસ્ફોટ બાદ મહાયુતિ સરકાર ભીંસમાં મૂકાઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તમામ પ્રકરણની તપાસના આદેશો આપ્યા છે અને રાજ્યના બે મહેસૂલી અધિકારીઓને તત્કાળ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.આક્ષેપો અનુસાર પાર્થ પવારની ભાગીદારી ધરાવતી કંપની અમેડિયા એન્ટરપ્રાઈઝીસ એલએલપીને પુણેના મુંઠવા વિસ્તારમાં 300 કરોડની જમીન વેચવામાં આવી છે. સરકારી ચોપડે આ જમીન શ્રી સરકાર એટલે કે સરકારી માલિકીની દર્શાવાઈ છે. તો આ જમીન પાર્થ પવારની કંપનીને વેચવાની પરવાનગી કોણે આપી, આ કિંમત કોણે નક્કી કરી તેવા સવાલો સર્જાયા છે. 300 કરોડના સોદા પર 21 કરોડ જેટલી સ્ટેમ્પ ડયૂટી લાગવી જોઈએ તેને બદલે ફક્ત 500 રુપિયા સ્ટેમ્પ ડયૂટી લેવાઈ છે. આ સ્ટેમ્પ ડયૂટી માફીની સૂચના પણ કોણે આપી તેવા પ્રશ્નો પણ થયા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Maharashtra CM Devendra Fadnavis) મહારાષ્ટ્ર મહેસૂલ વિભાગને તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગેરવ્યવહારોના સંકેત મળ્યા બાદ પુણે તહસીલદાર સૂર્યકાંત યેવલેને તેમજ સબ રજીસ્ટારને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. એટલું જ નહિ આ પ્રકારના જમીન સોદાના વ્યવહારની તપાસ માટે એક સમિતિની રચના કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. જમીન સોદા અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ પ્રકરણની સંપૂર્ણ માહિતી મહેસૂલ વિભાગ, આઇ.જી.આર અને લેન્ડ રેકોર્ડ વિભાગ દ્વારા મંગાવ્યા છે. પ્રાથમિક તપાસમાં કેટલીક ગંભીર બાબત સામે આવી છે. જો આ મામલે ક્યાંય અનિયમિતતા થયેલી મળી આવશે તો તેની સામે કઠોર કાર્યવાહી થશે.ઉલ્લેખનીય છે કે જ્યારે નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર સામે કોંગ્રેસ – એન.સી.પીની સરકાર વેળા કરાયેલા જળ સિંચાઇ તેમજ ઉર્જા વિભાગમાં કરેલા કરોડો રૃપિયાના ભ્રષ્ટાચારનો આરોપ મૂકાયો હતો. પરંતુ તેઓ ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિમાં જોડાઇ જતાં તેમના પર મૂકાયેલા બધા આરોપમાંથી મુક્ત કરાયા હતા.



















Recent Comments