વિડિયો ગેલેરી

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રૂ. ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજને અમરેલી જિલ્લામાં આવકાર

રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદની નુકસાનીની સ્થિતિ બાદ ખેડૂતોની પડખે રહી અને ગતરોજ રૂ. ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને ૨૨ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.

આ કૃષિ રાહત પેકેજને અમરેલીમાં ખેડૂતોની માતૃસંસ્થા સમાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી દ્વારા આવકારવામાં આવ્યું હતું. સમિતિના સેક્રેટરીશ્રી તુષારભાઈ હપાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતો દ્વારા સરકારશ્રી રાહત પેકેજ આપે તેવી આશા હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી રૂ.૧૦,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બજાર સમિતિ દ્વારા આ પેકેજ જાહેર કરવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લામાં થયેલી નુકસાનીનો અંદાજ મેળવવા માટે રાજ્ય ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં જઈ અને ખેડૂતોને નુકસાનીનો તાગ મેળવ્યો હતો. રાજ્ય સરકારની સૂચનાને પગલે જિલ્લા ખેતીવાડી વિભાગની ૮૬ ટીમના ૨૩૪ કર્મચારીઓ અને ૨૭ અધિકારીશ્રીઓ દ્વારા અમરેલી જિલ્લાના ૬૨૬ ગામોમાં ખેતરે ખેતરે મુલાકાત કરી સર્વે-પંચરોજકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

Related Posts