અમરેલી

સાવરકુંડલામાં ધાર્મિક એકતાના દર્શન : બ્રહ્મપુરી ભવનનું લોકાર્પણ અને ભવ્ય બ્રહ્મચોર્યાસી નું આયોજન

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ, સાવરકુંડલા દ્વારા આગામી રવિવાર, તા. ૧૬-૧૧-૨૦૨૫ (વિક્રમ સંવત ૨૦૮૨, કારતક વદ-૧૨) ના રોજ એક ઐતિહાસિક અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાવરકુંડલા તાલુકાના તમામ ભૂદેવ પરિવારો માટે ધર્મલાભ અને સ્નેહમિલનનો અવસર લઈને આવ્યો છે.
આ પાવન અવસરે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સંચાલિત બ્રહ્મપુરી ભવનના ઉપરના વિભાગ નું લોકાર્પણ કરવામાં આવશે. સમસ્ત બ્રહ્મ સમાજ પેટા જ્ઞાતિવાદના વાડાઓ દૂર કરીને શુભ સંકલ્પ સાથે બ્રહ્મપુરી ભવનનું લોકાર્પણ કરી રહ્યા છે, જેને વડીલશ્રીઓના આશીર્વાદ મળી રહ્યા છે. આ નવા માળના લોકાર્પણ સમારોહ બાદ, સમસ્ત ભૂદેવ પરિવારોમાં એકતા અને બંધુત્વની ભાવના વધારવા માટે સહ પરિવાર બ્રહ્મચોર્યાસી (સ્નેહ મિલન) અને મહા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાવરકુંડલા તાલુકામાં વસતા હજારો ભૂદેવ પરિવારો આ પ્રસંગે એકતાના તાંતણે બંધાઈને ભોજન પ્રસાદ નો લાભ લેશે.
આ સમારંભ ના અધ્યક્ષ સ્થાને અમદાવાદ વેજલપુર ના ધારાસભ્ય અને સાવરકુંડલાના પનોતા પુત્ર અમિતભાઈ ઠાકર ઉપસ્થિત રહેશે. સાથે જ બ્રહ્મ સમાજનું ઘરેણું એવા અને વર્તમાન સમયના પરશુરામ ગણાતા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા અને ઉદ્યોગપતિ ચેતનભાઈ રામ શંકરભાઈ (અમદાવાદ) વિશિષ્ટ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે. સમગ્ર કાર્યક્રમ સાંજે ૫:૩૦ કલાકે બ્રહ્મપુરી, વી. ડી. કાણકિયા કોલેજ સામે, સાવરકુંડલા ખાતે યોજાશે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટી મંડળ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ માનવ સેવા ટ્રસ્ટ, શ્રી પરશુરામ સેના – સાવરકુંડલા, શ્રી બ્રહ્મસેના – સાવરકુંડલા, તથા શ્રી સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ સહિતની તમામ સહયોગી સંસ્થાઓ સક્રિયપણે જહેમત ઉઠાવી રહી છે. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ-સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા તાલુકાના તમામ ભૂદેવ પરિવારોને આ પવિત્ર પ્રસંગે સપરિવાર પધારી, ધર્મ લાભ લેવા અને બ્રહ્મચોર્યાસી ના ભોજન પ્રસાદ નો લાભ લેવા માટે હૃદયપૂર્વક ભાવભરી વિનંતી કરવામાં આવી છે.  તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.

Related Posts