અમરેલી

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે નાની કુંકાવાવ ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ

ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે આજરોજ અમરેલી જિલ્લાના  કુંકાવાવ-વડીયા તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ નાની કુંકાવાવ ખાતે સરદાર પ્રાથમિક શાળા – પ્રાર્થના ખંડનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત મનરેગા યોજના અન્વયે રૂ. ૧૭ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ સચિવાલયના અદ્યતન મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું. 

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ નાની કુંકાવાવ ખાતે કુલ રૂ. ૭૧ લાખના ખર્ચે તળાવ નવીનીકરણ અને કુલ રૂ. ૪૫ લાખના ખર્ચે પુર સરંક્ષણ દિવાલના વિકાસ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉપરાંત નાની કુંકાવાવથી નવા ઉજળા વચ્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૧.૧૫ કરોડના ખર્ચે નવા રોડના વિકાસકામનો ખાતમુહૂર્ત કરીને પ્રારંભ કરાવ્યો હતો.

ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ નાની કુંકાવાવ ખાતે વિવિધ વિકાસકામના ખાતમુહૂર્ત-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, દરેક વિકાસકામો થકી નાગરિકોને વિવિધ સગવડતાઓ મળે છે. રાજ્ય સરકાર શહેરની સાથે ગ્રામ્ય કક્ષાએ પણ વિકાસકામો માટે ત્વરાએ ગ્રાન્ટની ફાળવણી કરે છે.

મોટી કુંકાવાવ સ્થિત તાલુકા પંચાયત કચેરી નજીકના ગ્રાઉન્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી સહિતની જણસીની ખરીદીનો પ્રારંભ થયો છે. આ નવા સેન્ટર પર રાજ્યમંત્રીશ્રી વેકરીયાએ ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, તાજેતરમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને નુકશાન વેઠવું પડ્યું છે. રાજ્ય સરકારે પંચરોજકામના આધારે બનતી ત્વરાએ ખૂબ જ જલ્દીથી ઐતિહાસિક રૂ. ૧૦ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાહત પેકેજ બદલ રાજ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારનો સહર્ષ આભાર વ્યક્ત કર્યો હતો. ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયામાં ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે ખરીદી પ્રક્રિયાનું સંચાલન કરવા બાબતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈએ મોટી કુંકાવાવ યાર્ડના ઉપસ્થિત સત્તાધીશો અને અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી.

નાની કુંકાવાવ મુકામે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત – લોકાર્પણ પ્રસંગે અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણી, તાલુકા પંચાયત હોદ્દેદારો, ગ્રામ પંચાયત સરપંચશ્રી, સભ્યશ્રીઓ, કુંકાવાવ-વડીયા મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts