ભારતના ભવ્ય અને દિવ્ય ઈતિહાસમાં ધરતી આબા તરીકેનું અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર અને અંગ્રેજોના દમન સામે પ્રચંડ લડત આપનાર એવા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં આ વર્ષ ‘જનજાતિ ગૌરવ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘જનજાતિ ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે.
આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અમરેલી સ્થિત વિદ્યાસભા સંકુલ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન રૂ. ૮૨.૮૫ લાખના ઈ-લોકાર્પણ અને રૂ. ૬૭.૧૫ લાખના ઈ-ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. ૧.૫૦ કરોડના વિવિધ વિકાસકામોની ભેટ જિલ્લાને મળી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. આંબેડકર આવાસ યોજના અને પંડિત દિનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત અમરેલી દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. ઉપરાંત વિદ્યાસભા ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના આદિજાતિ સમાજના શ્રેષ્ઠ રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર, મોમેન્ટો અર્પણ કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, જળ, જંગલ અને જમીન બચાવવા અને પોતાની અસ્મિતાના રક્ષણ માટે ભગવાન બિરસા મુંડાજીએ નાની ઉંમરમાં અંગ્રેજો સામે લડાઈ લડી હતી. તેમની લડાઈ એટલી પ્રચંડ હતી કે, અંગ્રેજોએ જળ, જંગલ અને જમીન ઉપરાંત આદિજાતિના હકો અને અધિકારો માટે નીતિ ઘડવાની ફરજ પડી હતી. વધુમાં ઉમેર્યું કે, ભગવાન બિરસા મુંડાજી ‘ધરતી આબા’ નો ગૌરવવંતો વિરલ ઈતિહાસ ભવિષ્યની અનેક પેઢીઓનું દિશાદર્શન કરશે.
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તા શ્રી અજયભાઈ માઢકે જનજાતીય ગૌરવ વર્ષ અને ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાજીના જીવન પર વકતવ્ય આપતા જણાવ્યું કે, આપણા ઈતિહાસમાં અનેક નામી અનામી વિરલ વિભૂતીઓએ દેશ અને સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આદિજાતિ સમાજ માટે અને સમગ્ર દેશ માટે આ દિવસની ઉજવણી એ ગૌરવવંતો ઈતિહાસ યાદ કરીને તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનો અનેરો અવસર છે.
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જિલ્લાકક્ષા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ, વિદ્યાસભા સંકુલ ટ્રસ્ટી શ્રી ચતુરભાઈ, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલિપસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોહિલ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, બહોલી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments