ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ઓબરા વિસ્તારમાં શનિવારે (15 નવેમ્બર) પથ્થર ખનન દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અહીં ભૂસ્ખલન થતાં સોનભદ્રના ઓબરા વિસ્તારમાં પથ્થરની ખાણ ધસી પડી હતી. આ દરમિયાન ખાણમાં પથ્થર ખનનની કામગીરી કરતા અનેક શ્રમિક અને એક કમ્પ્રેસર ઓપરેટર કાટમાળમાં દટાયાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. પ્રારંભિક માહિતી મુજબ, ખાણમાં લગભગ 18 જેટલા શ્રમિક કામ કરી રહ્યા હતા. આ દરમિયાન કમ્પ્રેશન મશીનથી ડ્રિલિંગ કરતી વખતે અચાનક ખાણનો એક ભાગ તૂટી પડતા બધા શ્રમિક કાટમાળ નીચે દટાયા છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, હાલ ઘટનાસ્થળ પર પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઇ છે. આ ઉપરાંત NDRF અને SDRF ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના કરાઇ છે.સોનભદ્ર પોલીસે આ દુર્ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ‘ખાણમાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. પોલીસ હાલ ઘટના સ્થળ પર હાજર છે અને તમામ એજન્સીઓએ સાથે મળીને રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. અમને આશંકા છે કે ખનન કામગીરી દરમિયાન સુરક્ષાના માપદંડોનું પાલન કરાયું નહોતું. હવે ઘટના કેવી રીતે બની તેના કારણોની તપાસ કરાશે અને દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરાશે.’ નોંધનીય છે કે, આ ઘટના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સભા સ્થળથી માત્ર 5 કિલોમીટર દૂર બની છે. ઘટનાના થોડાક કલાકો પહેલાં જ યોગી આદિત્યનાથ આ ઘટનાસ્થળની નજીક એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. હાલ આ ઘટનામાં કોઇના મોત થયા હોવાની માહિતી સામે આવી નથી. જો કે, ઘટનાની ગંભીરતા જોઇને કેટલાક લોકોના મોત થયા હોવાની આશંકા પણ વ્યક્ત કરાઇ રહી છે.
યુપીના સોનભદ્રમાં પથ્થર ખનન દરમિયાન મોટી દુર્ઘટના, અનેક શ્રમિકો દટાયાની આશંકા

















Recent Comments