વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (15 નવેમ્બર) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ તેઓ આજે રાજ્યના આદિવાસી પટ્ટાનો પ્રવાસ કરી રહ્યા છે.પીએમ મોદીએ 9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 2003માં દેવમોગરા માતાના દર્શને આવ્યો હતો, આજે આ જગ્યાનો ખુબ વિકાસ થયો છે. મા નર્મદાની પાવન ધરતી આજે વધુ એક ઐતિહાસિક આયોજનની સાક્ષી બની છે. ગત 31 ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અને ‘ભારત પર્વ’ના પ્રારંભ બાદ આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ભવ્ય આયોજન સાથે ‘ભારત પર્વ’ની પૂર્ણતા થઈ છે.આ પવિત્ર અવસરે ભગવાન બિરસા મુંડાને પ્રણામ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે ‘2021માં અમે ભગવાન બિરસા મુંડાની જયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. જનજાતીય ગૌરવ હજારો વર્ષોથી આપણા ભારતની ચેતનાનો અભિન્ન હિસ્સો રહ્યો છે.’
સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમાજના યોગદાન પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું હતું કે, ‘જ્યારે પણ દેશના સન્માન, સ્વાભિમાન અને સ્વરાજની વાત આવી, ત્યારે આપણો આદિવાસી સમાજ સૌથી આગળ ઊભો રહ્યો. સ્વતંત્રતા આંદોલનમાં આદિવાસી સમાજના યોગદાનને આપણે ભૂલાવી શકીએ નહીં.’
આ કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ અને જનજાતીય કલ્યાણ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વાસ્થ્ય, માર્ગ અને પરિવહન સાથે જોડાયેલા નવા પ્રોજેક્ટ્સ પણ શરૂ થયા છે. આ તમામ વિકાસ કાર્યો અને કલ્યાણ યોજનાઓ બદલ ગુજરાત સહિત દેશના તમામ જનજાતીય પરિવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ પ્રસંગે ભારપૂર્વક જણાવવામાં આવ્યું કે, ‘2014 પહેલા ભગવાન બિરસા મુંડાને કોઈ યાદ કરનારું નહોતું. માત્ર તેમના અગલ-બગલના ગામ સુધી જ તેમને પૂજવામાં આવતા હતા. આજે દેશભરમાં અનેક ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે.’
આજે શ્રી ગોવિંદ ગુરુ ચેર જનજાતીય ભાષા સંવર્ધન કેન્દ્રની સ્થાપના પણ થઈ છે. આ કેન્દ્રમાં ભીલ, ગામિત, વસાવા, ગરાસિયા, કોકણી, સંથાલ, રાઠવા, નાયક, ડબલા, ચૌધરી, કોકના, કુંભી, વરલી, ડોડિયા… જેવી તમામ જનજાતિઓની બોલીઓ પર અધ્યયન થશે. તેમની સાથે જોડાયેલી વાર્તાઓ અને ગીતોને સંરક્ષિત કરવામાં આવશે. વધુમાં ઉમેર્યું કે, જનજાતીય સમાજ પાસે હજારો વર્ષોના અનુભવોથી શીખેલા જ્ઞાનનો અપાર ભંડાર છે. તેમની જીવનશૈલીમાં વિજ્ઞાન છુપાયેલું છે.આ અવસરને કરોડો આદિવાસી ભાઈ-બહેનો સાથે થયેલા અન્યાયને યાદ કરવાનો દિવસ ગણાવતા જણાવાયું કે, ‘દેશમાં છ દાયકા સુધી રાજ કરનારી કોંગ્રેસે આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા હતા. આદિવાસી કલ્યાણ ભાજપની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.’
એક સંકલ્પ લેવા પર ભાર મૂકવામાં આવ્યો કે, “આપણે હંમેશા આ સંકલ્પ લઈને ચાલીએ કે આપણે આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયને સમાપ્ત કરીશું, તેમના સુધી વિકાસનો લાભ પહોંચાડીશું.’

















Recent Comments