રાષ્ટ્રીય

દુનિયાને ટેરિફથી ડરાવી ટ્રમ્પે છાનામાના 727 કરોડ રૂપિયાની કરી ખરીદી

એક તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ટેરિફ નિર્ણયોથી દુનિયાભરના દેશો સાથે ‘ટ્રેડ વોર’ જેવી સ્થિતિ ઉભી કરી રહ્યા છે, તો બીજી તરફ એક મોટા બિઝનેસમેન તરીકે તેઓ પોતાની રોકાણ યોજનાઓ પર પણ પૂરું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તાજેતરમાં થયેલા એક ખુલાસા મુજબ, ટ્રમ્પે માત્ર 36 દિવસમાં જ 82 મિલિયન ડોલર (આશરે 727 કરોડ રૂપિયાથી વધુ)ના બોન્ડની મોટી ખરીદી કરી છે.અહેવાલ મુજબ, યુએસ ઓફિસ ઓફ ગવર્નમેન્ટ એથિક્સ દ્વારા જારી કરાયેલા દસ્તાવેજોમાંથી આ માહિતી સામે આવી છે. આ દસ્તાવેજો દર્શાવે છે કે પ્રમુખ ટ્રમ્પે 28 ઓગસ્ટ, 2025 થી 2 ઓક્ટોબર, 2025 ની વચ્ચે 175થી વધુ નાણાકીય ખરીદી કરી હતી, જેમાં મુખ્યત્વે કોર્પોરેટ અને મ્યુનિસિપલ બોન્ડનો સમાવેશ થાય છે.ટ્રમ્પ દ્વારા ખરીદવામાં આવેલા મોટાભાગના બોન્ડ નગરપાલિકાઓ, રાજ્યો અને અન્ય જાહેર એજન્સીઓ દ્વારા જારી કરાયેલા છે. આ ઉપરાંત, તેમણે ટેકનોલોજી, ફાયનાન્સ અને રિટેલ સેક્ટરની મોટી કંપનીઓના કોર્પોરેટ બોન્ડમાં પણ રોકાણ કર્યું છે, જેમાં બ્રોડકોમ, ક્વાલકોમ, મેટા પ્લેટફોર્મ્સ, હોમ ડિપો, ગોલ્ડમેન સૅક્સ, મોર્ગન સ્ટેનલી અને જેપી મોર્ગન ચેઝ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.આ ખુલાસાથી હિતોના ટકરાવ અંગે પણ સવાલો ઉભા થયા છે, કારણ કે ટ્રમ્પની આ રોકાણ રણનીતિ એવા ક્ષેત્રોમાં છે જેમને તેમના જ વહીવટીતંત્ર દ્વારા લાગુ કરાયેલી નીતિઓ, જેમ કે નાણાકીય નિયમનમુક્તિ (Financial Deregulation), થી સીધો ફાયદો થયો છે. જોકે, વ્હાઇટ હાઉસે આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે ટ્રમ્પનું રોકાણ એક થર્ડ-પાર્ટી નાણાકીય સંસ્થા દ્વારા સંચાલિત થાય છે, જેમાં રાષ્ટ્રપતિ કે તેમના પરિવારની કોઈ સીધી ભાગીદારી નથી.આ વર્ષે જૂનમાં જાહેર કરાયેલા વાર્ષિક નાણાકીય ખુલાસા મુજબ, રિયલ એસ્ટેટના મોટા ખેલાડી રહેલા ટ્રમ્પે 2024માં ક્રિપ્ટોકરન્સી હોલ્ડિંગ્સ, ગોલ્ફ પ્રોપર્ટીઝ અને અન્ય વ્યવસાયોમાંથી 600 મિલિયન ડોલર (આશરે 5321 કરોડ રૂપિયા)થી વધુની કમાણી કરી હતી, જેનાથી તેમની કુલ સંપત્તિ ઓછામાં ઓછી 1.6 અબજ ડોલર થઈ ગઈ છે.

Related Posts