અમરેલી

ડ્રીપ ઈરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવા ખેડૂતોને મહત્તમ રૂ. ૭૫,૦૦૦ સુધીની મળી રહી છે સહાય

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે “મારી યોજના પોર્ટલ” શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની જીણવટભરી વિગતો સરળતાથી મળી જાય છે. આ પોર્ટલ પર ખેડૂતોને ઉપયોગી એવી ડ્રીપ ઈરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવા માટેની યોજનાની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. 

બાગાયત ખેતી કરતા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ડ્રીપ ઈરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવા યુનિટ કોસ્ટ રૂ.૧.૦૦ લાખ પ્રતિ એકમ ધ્યાને લઈ સામાન્ય ખેડૂતને ખર્ચના ૫૦ ટકા -મહત્તમ રૂ. ૫૦,૦૦૦ પ્રતિ એકમની મર્યાદામાં જ્યારે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ.૭૫,૦૦૦ પ્રતિ એકમની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

અમરેલી જિલ્લામાં ખેડૂતો માટે ટપક સિંચાઈ પદ્ધતિ આશિર્વાદ સમાન છે. ભૌગોલિક વિશેષતા અને ભૂગર્ભ જળની ઉપલબ્ધતાની મર્યાદામાં ટપક સિંચાઈ પદ્ધતિ ખેડૂતોને પાણીના કરકસર ઉપયોગ સાથે જરૂરી પિયત કરવામાં મદદ કરે છે.

આ યોજના હેઠળ સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા, ડ્રીપ સેટ હોવો ફરજિયાત છે.  ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગર્વમેન્ટ વેલ્યુઅર-તાલુકા સર્વેયર-મનરેગા યોજનાના સર્વેયરનુ ખર્ચ અંગેનુ સર્ટિફિકેટ લાભાર્થીએ આપવાનું રહેશે. ઓછામાં ઓછો ૨૫.૫૦ ઘનમીટર ક્ષમતા ધરાવતો ટાંકો બનાવવાનો રહેશે. ખાતાદીઠ ફક્ત એક જ વખત આઇ-ખેડૂત પોર્ટલ પર સહાયતા માટે ફોર્મ ભરી શકાશે.

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી માટે જરુરી દસ્તાવેજોમાં ૭-૧૨નો દાખલો, આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, બેંકપાસબુક/રદ ચેક જોડવાના રહેશે. આ અંગની વધુ વિગતો મારી યોજના પોર્ટલ પર https://mariyojana.gujarat.gov.in/MoreDetails.aspx લિંક પરથી મેળવી શકાશે. યોજના માટે ખેડૂતો નાયબ બાગાયત નિયામકશ્રીની જિલ્લા કચેરીનો સંપર્ક પણ કરી શકશે. 

Related Posts