ગુજરાત

કડીમાં નીતિન પટેલના વિરોધીઓ પર આકરા પ્રહાર: કહ્યું- ‘આ સમાજ કોઈની લાલચમાં આવતો નથી’

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે કડી ખાતે આયોજિત એક સ્નેહમિલન કાર્યક્રમમાં વિરોધી પક્ષો પર આકરા પ્રહાર કર્યાં હતા. પાટીદાર સમાજની વિશાળ હાજરી વચ્ચે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘આ સમાજ કોઈના ખોટા વાયદાઓ કે લાલચમાં આવતો નથી.’પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર સમાજને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘આપ આવે, ઝાપ આવે કે કોઈ પણ પક્ષ આવે, પાટીદાર સમાજ કોઈના ઝાંસા કે લાલચમાં આવતો નથી. મને પૂરી ખબર છે કે તમે ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી.’

કડી અને મહેસાણાના મતદારોની જાગૃતિ પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અહીંના લોકો જાણે છે કે કોના શાસનમાં કેટલું કામ થયું છે. અમારા કાર્યકાળમાં જે વિકાસ થયો છે તેની સામે કોઈ પક્ષના નેતા આંખ મીંચાઈને જૂઠ્ઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, પણ કડી-મહેસાણાના પાટીદારો અને મતદારો જાગૃત છે.’આપ અને કોંગ્રેસ પર આડકતરી રીતે નિશાન સાધતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘જેમની પાસે ન તો નીતિ છે, ન નેતા છે, ન સંગઠન છે, તેમને ગુજરાતની જનતા સારી રીતે ઓળખી ગઈ છે. હવે કોઈની મીઠી-મીઠી વાતોમાં આવવાનો સમય નથી.’

કાર્યક્રમમાં તેમણે કડીના લોકોને ખાતરી આપી હતી કે, ‘કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં.’ ઉલ્લેખનીય છે કે, આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી, જે આગામી ચૂંટણીઓમાં આ સમાજના મતોનું મહત્ત્વ દર્શાવે છે.

Related Posts