અમેરિકાની ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ટરનેશનલ એજ્યુકેશન (IIE) દ્વારા 17 નવેમ્બર, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અંગેનો ‘ઓપન ડોર્સ 2025′ રિપોર્ટ જાહેર કરાયો. આ અહેવાલ પ્રમાણે, હજુ પણ અમેરિકા અભ્યાસ માટે વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયો પહેલા ક્રમે છે. વર્ષ 2024-25માં અમેરિકામાં 3,60,000થી વધુ ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે, જે ગયા વર્ષની તુલનામાં 9.5% વધુ છે.ઓપન ડોર્સ 2025’ અહેવાલ પ્રમાણે , 2024-25માં અમેરિકાની વિવિધ સંસ્થામાં અભ્યાસ કરતા કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 11.7 લાખ હતી, જે અગાઉના વર્ષની તુલનામાં 5%નો વધારો સૂચવે છે. આ કુલ સંખ્યામાં, ભારતીય વિદ્યાર્થીઓ પહેલા ક્રમે છે, ત્યાર પછી ચીન અને દક્ષિણ કોરિયા છે. આ ડેટામાં દર્શાવાયું છે કે, 2024-25માં અમેરિકામાં નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં આશરે 7% ઘટાડો થયો છે. માત્ર અંડરગ્રેજ્યુએટ સ્તરે નવા પ્રવેશમાં 5%નો વધારો જોવા મળ્યો છે, જ્યારે અન્ય તમામ સ્તરે નવા પ્રવેશમાં ઘટાડો થયો છે.યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ દ્વારા સ્પોન્સર્ડ આ અહેવાલ પ્રમાણે, વર્ષ 2024-25માં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 3,63,019 હતી. આ પૈકી 49% ગ્રેજ્યુએટ હતા અને 39% ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) લઈ રહ્યા હતા. પ્રેક્ટિકલ ટ્રેનિંગ પૂરી કરીને તેઓ સંબંધિત ક્ષેત્રમાં કામ કરે છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 47% વધી છે. જો કે, ગ્રેજ્યુએટ સ્તરે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં આશરે 9.5%નો ઘટાડો થયો છે. તો અન્ડર ગ્રેજ્યુએટ સ્તરે 40,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ હતા, જે અગાઉના વર્ષની તુલનામાં આશરે 11%નો વધારો દર્શાવે છે. આ ઉપરાંત અમેરિકામાં બીજા ક્રમે રહેલા ચીનના 2,65,919 વિદ્યાર્થી યુએસમાં હતા, જે અગાઉના વર્ષની તુલનામાં 4% ઓછા છે.ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરાયેલા અભ્યાસના ક્ષેત્રોના ડેટા દર્શાવે છે કે, અમેરિકામાં 43%થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સાયન્સમાં, 23% એન્જિનિયરિંગમાં અને 11% બિઝનેસ મેનેજમેન્ટમાં છે. તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પૈકી 57% લોકોએ STEM ક્ષેત્રો (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) પસંદ કર્યા છે, જેમાં દર ચારમાંથી એક વિદ્યાર્થી ગણિત અને કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે.
આ ઉપરાંત અમેરિકાના 45 રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ પૈકી કેલિફોર્નિયા, ટેક્સાસ અને ન્યૂ યોર્કમાં સૌથી વધુ વિદ્યાર્થી હતા, તો ટેક્સાસ, ઇલિનોઇસ અને મિઝોરીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. આ પૈકી મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી (આશરે 59%) જાહેર સંસ્થામાં અભ્યાસ કરતા હતા.નોંધનીય છે કે 2024-25 શૈક્ષણિક વર્ષ શરૂ થયાના ટૂંક સમયમાં, એટલે કે જાન્યુઆરી 2025માં, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની બીજી ટર્મ શરૂ કરી હતી. ત્યાર પછી, વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ શિક્ષણ અને ઇમિગ્રેશન કાયદામાં કરાયેલા ફેરફારોને કારણે ઘણાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટે જતા ખચકાઈ રહ્યા છે.



















Recent Comments