ભાવનગર

ભાવનગર ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો અભિવાદન સમારોહ યોજાયો

ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે ગુજરાત સરકારના નવનિયુક્ત કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ
વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રિય મંત્રી
શ્રી મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપ સૌએ મારું સન્માન કરીને મારી જવાબદારીઓ વધારી દીધી છે. આ
જવાબદારીઓને સારી રીતે વહન કરવાની ભગવાન મને શક્તિ આપે તેવી પ્રાર્થના કરૂં છું. તેમણે કહ્યું કે, લોકો માટે અમે જે પણ કામો કરીએ છીએ, એ
અમારી ફરજ છે, એમાં અમે કોઈ ઉપકાર કરતાં ન‌થી. ભાવેણાવાસીઓને જ્યાં પણ જરૂર હશે ત્યાં અમે ચોક્કસ આપની સાથે છીએ, ભાવનગર શ્રેષ્ઠ
બને તેવા પ્રયાસો‌ સાથે મળીને કરીએ. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં
અનેક ક્ષેત્રોમાં વિકાસ થયો છે ત્યારે ભાવનગરમાં શીપ બ્રેકિંગ યાર્ડ, ઈન્ડસ્ટ્રીઝ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર વિકાસ થયો છે. આવનારા
સમયમાં ભાવનગરને વધુ શ્રેષ્ઠ‌ બનાવવા પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.

કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, શ્રી જીતુભાઈના અભિવાદનની સાથોસાથ તેમનાં માતૃશ્રી મંજુલાબા નું પણ સન્માન કરાયું
છે, એ નારી શક્તિ માટે ખૂબ મોટો સંદેશ પુરો પાડે છે. દરેક સન્માન એ નવી ચેતના અને ઉર્જા આપતું હોય છે. તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લા માટે
જે કંઈ સારુ થઈ શકે તેવાં પ્રયાસો અમે સાથે મળીને કરીએ છીએ, ભાવનગરના વિકાસ માટે એર કનેક્ટિવિટી ખૂબ જ જરૂરી છે ત્યારે આપણી અપેક્ષા
પ્રમાણે એર કનેક્ટિવિટી ફરી ચાલુ થાય તે માટેના પ્રયાસો અમારા તરફથી સતત ચાલી રહ્યાં છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, આપણી સાથે રહેલો કોઈ વ્યક્તિ ઉચ્ચ કક્ષાએ પહોંચે ત્યારે ચોક્કસથી એનો આનંદ હોય,
આપણે એમનું સન્માન કરીને એમનો હોંસલો વધારીએ છીએ. તેમણે કહ્યું કે, શ્રી જીતુભાઈ વાઘાણીને મેં સંઘર્ષ કરતાં નજીકથી જોયાં છે, તેમનામાં
રહેલી કુનેહ, કુશળતા થકી લોકો સાથે‌ તેઓ સરળતાથી કનેક્ટ થઈ જાય છે. તેમણે વિકાસની વાત કરતાં કહ્યું કે, પિનથી લઈને પ્લેન સુધીની તમામ
વસ્તુઓ આજે ગુજરાતમાં બની રહી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી મોટો બદલાવ આવ્યો‌ છે. તેમણે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે
પ્રધાનમંત્રી બન્યાં ત્યારે આપણાં દેશની અર્થવ્યવસ્થા ૧૧માં ક્રમે હતી. આજે ભારત વિશ્વનની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. તેમણે
ઉમેર્યું કે, અન્ય રાજ્યના ૫૮ લાખ પરપ્રાંતીય કામદારો રોજગારી માટે ગુજરાત આવી રહ્યાં છે. સૌથી વધુ રોજગારી ઉત્પન્ન કરનારું રાજ્ય આજે

Page 2 of 2

ગુજરાત બન્યું છે. સ્વદેશી વસ્તુઓ અપનાવવા તેમજ વિકસીત ભારત @૨૦૪૭ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સહુ સાથે મળીને
સાકાર કરીએ.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓએ શાલ, પુષ્પહાર અને સ્મૃતિચિન્હ આપી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કર્યું હતું. સૌએ તેમને કેબિનેટ
મંત્રી તરીકેની જવાબદારી મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી.

સમારોહમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માએ બ્લડ બેન્કના ટ્રસ્ટીઓને ભાવનગર બ્લડ બેન્કની અદ્યતન સુવિધાસભર એમ્બ્યુલન્સ
બસની ચાવી અર્પણ કરી હતી.

ભાવનગર શહેર-જિલ્લાના વિવિધ વેપારી એસોસિયેશન, સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિ સંગઠનો દ્વારા અભિવાદન સમારોહનું
આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી શ્રીમતી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઈ બારડ, કમિશનર શ્રી
ડૉ.એન.કે.મીણા, જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષ કુમાર બંસલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિતીશ પાંડેય, અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી
કુમારભાઈ શાહ, ઉદ્યોગ જગતનાં પ્રતિનિધિઓ, સાધુ-સંતો, ભાવનગર શહેર-જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનો તેમજ વિશાળ સંખ્યામાં
ભાવેણાના નગરજનોને ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts