અમરેલી

ક્રાંકચ ગામે ફોનમાં બોલાચાલીની દાઝ રાખી બે શખ્સોએ પાઇપથી યુવકને માર માર્યો

ક્રાંકચ ગામે એક યુવકને જૂની બોલાચાલીની દાઝ રાખીને બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આરોપીઓએ સફેદ કલરની ફોર-વ્હીલ ગાડીમાં આવીને યુવકને દુકાન પાસેથી ખેંચી લીધો હતો અને પાઇપ વડે ઢોરમાર માર્યો હતો. આ હુમલામાં યુવકને પગ અને હાથમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું. બનાવ અંગે અમરેલીમાં રહેતા ગૌતમભાઇ હનુભાઇ વાળાએ દેવકુભાઇ ભગુભાઇ વાળા, લઘુવીર ગીડા તથા નાગરાજભાઇ રણજીતભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ ક્રાંકચ ગામે પોતાની નોકરી પર હાજર હતા. આ બનાવ બન્યાના આશરે ચારેક દિવસ પહેલા આરોપી દેવકુભાઈ વાળાએ ફોન કરીને કોઈ કારણ વગર ગાળો આપી હતી. આ બાબતે ફરિયાદી અને આરોપી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની દાઝ રાખીને તેમના પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે તેઓ ક્રાંકચ ગામે પોતાની ચાલુ નોકરીએથી અમરેલી રોડ પર આવેલી ગાયત્રી પાનની દુકાને પાન-માવો ખાવા ગયો, ત્યારે આરોપીઓ સફેદ કલરની ફોર-વ્હીલ ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. તેમને દુકાનના ઓટલા પરથી નીચે ખેંચી લીધો અને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે શરીર પર અને ખાસ કરીને છાતીના ભાગે પાઇપના જીવલેણ ઘા માર્યા હતા. હુમલા બાદ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Related Posts