ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌસંવર્ધન, મત્સ્યદ્યોગ અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આજે જિલ્લાના લીલીયા રોડ તથા ગ્રામ્ય વિસ્તારના લાલાવદર- કેરીયાનાગસ રોડનું નિરીક્ષણ કર્યા બાદ જિલ્લાના અધિકારીઓ સાથે ખાસ રોડ રસ્તાની સ્થિતિ અને પ્રગતિમાં રહેલા વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સ્પષ્ટ સૂચના છે કે, ખાસ રોડ રસ્તાના કામોમાં કોઈપણ બાંધછોડ વગર જનહિતમાં ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં બને. આ સાથે તેમણે માર્ગ મરામતનું કામ પણ નિયમોનુસાર અને જોગવાઈ મુજબ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
તેમણે ખાસ રોડ રસ્તા અને વિકાસના કામોમાં વહીવટી પ્રક્રિયાઓમાં વિલંબ ન થાય તેની ખાસ તકેદારી લેવા સૂચના આપી હતી, આ સાથે તેમણે વહીવટી પ્રક્રિયાનો સમય ઘટે અને ઝડપથી પ્રક્રિયાઓ પૂર્ણ કરી શકાય તે માટે અધિકારીઓ સાથે પરામર્શ પણ કર્યો હતો.
મંત્રીશ્રીએ માર્ગ અને મકાન – રાજ્ય તથા પંચાયત વિભાગ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળના રસ્તાઓ અને બ્રિજના કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી, તે સંદર્ભમાં મંત્રીશ્રીએ વિકાસના કામમાં આવતા અવરોધોને વિવેકપૂર્ણ રીતે હલ કરવા માટે પણ માર્ગદર્શન કર્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે, વિકાસના કામોમાં લોકોનો હંમેશા સાથ સહકાર મળતો હોય છે. આ ઉપરાંત ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને હયાત રસ્તાઓને પહોળા રસ્તા કરવાની દરખાસ્ત કરવી જોઈએ, જેથી નવા થયેલા રસ્તાની ટૂંકાગાળામાં ફરી વાઈડનીંગની કરવાની દરખાસ્ત ન કરવી પડે. તેમણે જમીન સંપાદનની કામગીરી પણ ખૂબ ત્વરાભેર થાય તે માટે પણ જરૂરી નિર્દેશો આપ્યા હતા.
તેમણે રોડ રસ્તાના કામોમાં એજન્સીઓને જે વધારાનો સમય આપવામાં આવ્યો છે, તેની પણ વિગતો માંગી હતી, અને સમય મર્યાદામાં જ કામ પૂર્ણ થાય તે માટે વિશેષ તકેદારી લેવા સૂચના આપી હતી.
પ્રભારી મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓના પણ અનુભવો જાણી, વિકાસના કામોને લોકો માટે ઝડપભેર પૂર્ણ કરી શકાય તે માટે પણ સકારાત્મક પરામર્શ કર્યો હતો. તેમણે જન પ્રતિનિધિઓ અને અધિકારીશ્રીઓ એક ટીમ બનીને અમરેલી જિલ્લાના વિકાસ માટે સારા કામો થઈ શકે તે માટે પ્રોત્સાહક માર્ગદર્શન પણ કર્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે, પરસ્પર સંકલન, સહકાર અને ટીમ વર્કથી જ સારા પરિણામો મળતા હોય છે.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પણ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો વિશેષ આભાર પ્રગટ કરીને જણાવ્યું હતુ, મંત્રીશ્રીના જાહેર જીવનના બહોળા અનુભવનો લાભ અમરેલી જિલ્લાને મળશે. જેનો જિલ્લાના પ્રજાજનોને પણ ફાયદો થશે.
આ બેઠકમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય સર્વશ્રી જનકભાઈ તળાવિયા શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, અધિક નિવાસી કલેકટર શ્રી દિલીપસિંહ ગોહિલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી હેત્સવ ધોળાવાલા, માર્ગ અને મકાન પંચાયતના શ્રી એમ. એમ. ચાવડા, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીશ્રી સહિતના જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments