સાવરકુંડલા….ભારતવર્ષના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી
જન્મજયંતિના પાવન વર્ષની ઉજવણીના ભાગરૂપે, આજરોજ સાવરકુંડલા ખાતે ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ (એકતા
યાત્રા)નું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ પદયાત્રામાં હજારોની
સંખ્યામાં નગરજનો, પદાધિકારીઓ અને સંતો-મહંતો જોડાયા હતા, જેનાથી સમગ્ર શહેરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ
ગયો હતો.
મહાનુભાવો અને સંતોની વિશેષ ઉપસ્થિતિ
આ યુનિટી માર્ચમાં અમરેલીના લોકપ્રિય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ
કસવાલા, અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિવિધ
ધર્મના સાધુ-સંતોએ પણ પદયાત્રામાં જોડાઈને આશીર્વાદ આપ્યા હતા, જેણે યાત્રાને આધ્યાત્મિક અને સામાજિક
એકતાનું સ્વરૂપ આપ્યું હતું. સરદાર પટેલ સોસાયટી વાડી ખાતેથી ‘એકતાના સૂત્ર’ સાથે આ યુનિટી માર્ચનું પ્રસ્થાન
કરવામાં આવ્યું હતું.
‘જય સરદાર’ના નાદથી ગુંજ્યો શહેર માર્ગ
પદયાત્રાનો કાફલો શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગોપાલદાસ બાપુની ઝૂંપડી (કોચિંગ પાસે), સરદાર પટેલ સોસાયટી,
પોલીસ સ્ટેશન, જૈન બોર્ડિંગ અને હોમગાર્ડ કચેરી જેવા વિસ્તારોમાંથી પસાર થયો હતો. સમગ્ર માર્ગ પર “એક ભારત,
શ્રેષ્ઠ ભારત” અને “સરદાર પટેલ અમર રહો”ના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનો હાથમાં
તિરંગા સાથે આ યાત્રામાં જોડાયા હતા અને સરદાર સાહેબને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની ઐતિહાસિક જાહેરાત
આ પ્રસંગે, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ભાવુકતા સાથે કહ્યું હતું કે, “આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ આપણા
શહેરમાં એક પણ જાહેર જગ્યાએ ‘સરદાર સાહેબ’ની પ્રતિમા ન હોવી, એ આપણું દુર્ભાગ્ય છે.” તેમણે આ સંકલ્પને પૂર્ણ
કરવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ કે.કે. હાઈસ્કૂલ અને મહિલા કોલેજ પાસે સરદાર સાહેબની ભવ્ય
પ્રતિમા સાથે નવો ‘સરદાર ચોક’ બનાવવામાં આવશે. તેમની આ જાહેરાતને નગરજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી
લીધી હતી.
રાષ્ટ્રનિર્માણમાં જોડાવાની હાકલ
આ યાત્રા દરમિયાન સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સરદાર સાહેબના દેશની
એકતા અને અખંડિતતા માટેના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. તેમણે યુવાનોને રાષ્ટ્રનિર્માણના આ પવિત્ર કાર્યમાં
સક્રિયપણે જોડાવા અને સરદાર સાહેબના આદર્શોને જીવનમાં ઉતારવા હાકલ કરી હતી. યાત્રાનું સમાપન સ્વામિનારાયણ
ગુરુકુળ ખાતે થયું હતું, જ્યાં સંતો અને મહંતો દ્વારા સૌ નાગરિકોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.ભારતીય જનતા
પાર્ટીના હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની
ઉપસ્થિતિએ આ યુનિટી માર્ચને સાવરકુંડલાના ઈતિહાસની એક યાદગાર ઘટના બનાવી દીધી હતી.




















Recent Comments