લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે થોડા દિવસો પહેલા સહકારી બેંકના કર્મચારી પર થયેલા હિચકારા હુમલાના બનાવમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને ઘટના સ્થળે લઈ જઈને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. ગત ૧૮ નવેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યાના સુમારે ક્રાંકચ ગામે બેંક કર્મચારી ગૌતમ વાળા પર ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં આરોપીઓ ગૌતમ વાળા પર આડેધડ ઘા ઝીંકતા નજરે પડ્યા હતા. આ ગંભીર હુમલામાં ભોગ બનનાર યુવકને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ તેઓ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓ દેવકુ વાળા, લઘુવીર ગીડા અને નાગરાજ વાળાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી વોક્સવેગન વેન્ટો કાર પણ કબજે કરી છે. ત્રણેય આરોપીઓ સાથે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. સમાજમાં ગુંડાગીરી કરનારા તત્વોમાં કાયદાનો ડર રહે તે હેતુથી પોલીસે આરોપીઓ પાસે સ્થળ પર જ ઊઠક-બેઠક કરાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની આ કામગીરી અને રિકન્સ્ટ્રક્શન જોવા માટે ગામલોકોના ટોળા ઉમટી પડ્યા હતા તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.
ક્રાંકચ ગામે બેંક કર્મચારી પર જીવલેણ હુમલો કરનારા ત્રણ આરોપીની ધરપકડ




















Recent Comments