રાષ્ટ્રીય

ઉદયપુરમાં શાહી ઠાઠમાઠ સાથે નેત્રા અને વામસીના લગ્ન: જુનિયર ટ્રમ્પ, જસ્ટિન બીબર સહિત સિતારાઓની ગ્લેમરસ હાજરી

‘સિટી ઓફ લેક્સ’ ઉદયપુરમાં આ વર્ષના સૌથી ભવ્ય લગ્નનું આયોજન થયું છે. અમેરિકન ફાર્મા અબજોપતિ રામા રાજુ મંટેનાની દીકરી નેત્રા મંટેના અને ટેક વ્યવસાયી વામસી ગડિરાજુના શાહી લગ્નને ‘વેડિંગ ઓફ ધ યર’ ગણવામાં આવી રહ્યા છે. ત્રણ-ચાર દિવસ સુધી ચાલનારા આ અત્યંત ખર્ચાળ લગ્નોત્સવમાં સામેલ થવા માટે હોલિવુડના સુપરસ્ટાર્સ જેનિફર લોપેઝ અને જસ્ટિન બીબરથી લઈને બોલિવુડના હૃતિક રોશન અને રણવીર સિંહ સુધીના સિતારાઓ ઉદયપુર પહોંચી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પણ આ લગ્ન માણવા માટે ભારત આવ્યા છે. નેત્રા મંટેના પિતા રામા રાજુ મંટેના જાણીતા ફાર્મા અબજોપતિ છે. તેઓ ‘ઇન્જેનસ ફાર્માસ્યુટિકલ્સ’ના ચેરમેન અને સીઈઓ છે, જે કેન્સર અને માનસિક આરોગ્ય માટે જેનરિક દવાઓનું ઉત્પાદન કરે છે. રાજુ મંટેનાએ ભારતની જવાહરલાલ નેહરુ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી(જે.એન.ટી.યુ.)માંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી લીધી છે અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાંથી ક્લિનિકલ ફાર્મસીમાં માસ્ટર્સ કર્યું છે. તેમણે 2005માં ‘P4 હેલ્થકેર’ કંપનીની સ્થાપના કરી હતી. તેમનો વ્યવસાય અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ અને ભારતમાં ફેલાયેલો છે. તેઓ તેમનાં પત્ની પદ્મજા મંટેના સાથે ફ્લોરિડામાં વસે છે, જ્યાં તેમણે 2023માં 400 કરોડ રૂપિયાની લક્ઝરી એસ્ટેટ ખરીદી હતી, જેમાં 16 બેડરૂમ, પ્રાઇવેટ બીચ અને સ્ટેબલ (ઘોડાર) જેવી સુવિધાઓ છે. દુલ્હો વામસી ગડિરાજુ યુવા ટેક ઉદ્યોગસાહસિક છે. તેઓ ‘સુપરઓર્ડર’ કંપનીના સહ-સ્થાપક અને મુખ્ય ટેક્નોલોજી અધિકારી (સીટીઓ- ચીફ ટેકનોલોજી ઓફિસર) છે. આ પ્લેટફોર્મ રેસ્ટોરન્ટ્સ માટે ડિલિવરી અને ટેકઅવે જેવી કાર્યવાહીઓને સરળ બનાવે છે. વામસીએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં બેચલર્સ કર્યું છે અને 2024માં ફોર્બ્સની ‘30 અંડર 30’ યાદીમાં (ફૂડ એન્ડ ડ્રિંક કેટેગરી) સ્થાન મેળવ્યું છે. આ લગ્નમાં 40 દેશોની 126થી વધુ લોકપ્રિય હસ્તીઓ મહેમાન તરીકે ઉદયપુર પધારી છે. હોલિવુડમાંથી જેનિફર લોપેઝ અને જસ્ટિન બીબર પર્ફોર્મ કરવા આવ્યા છે. એ બંને સાથે ડીજે તિએસ્ટો, બ્લેક કોફી, સર્ક ડ્યુ સોલીલ અને ડીજે આમન નાગપાલ પણ પર્ફોર્મ કરશે. બોલિવુડ તરફથી હૃતિક રોશન, રણવીર સિંહ, માધુરી દીક્ષિત, નોરા ફતેહી, શાહિદ કપૂર, કરણ જોહર, વરુણ ધવન, જ્હાનવી કપૂર, કૃતિ સેનન, જેકલિન ફર્નાન્ડીસ, દિયા મિર્ઝા, આમીરા દસ્તુર અને સોફી ચૌધરી જેવી સેલિબ્રિટીઓ મહેમાન બની છે. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેમની ગર્લફ્રેન્ડ સાથે ઉદયપુર પહોંચ્યા છે. એ અગાઉ તેમણે આગ્રાના તાજમહલની મુલાકાત લીધી હતી. મહેમાનોની યાદીમાં રાજકીય હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. 

Related Posts