ગુજરાત

ગાંધીનગર: માણસા-મહુડી રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગ, દસ્તાવેજ સહિતનો સામાન ખાખ

માણસા-મહુડી રોડ પર આવેલી સ્વ. જશુબેન હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. અચાનક આગ લાગતા કોલેજ કેમ્પસમાં દોડધામ મચી હતી. આગના બનાવને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગના કારણે રેકોર્ડ રૂમમાં રહેલી ફાઈલો, કમ્પ્યુટર સહિતના સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, ગાંધીનગર મેડિકલ કોલેજ સંચાલિત સ્વ. જશુબેન ભગવાનભાઈ ગોહિલ હોમિયોપેથી હોસ્પિટલ-કોલેજના સિનિયર મેડિકલ ઓફિસરના રેકોર્ડ રૂમમાં આજે શનિવારે (22 નવેમ્બર) અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે રૂમમાં રહેલા દસ્તાવેજો સહિતનો સામાન સળગી ગયો હતો. પણ આ દુર્ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ થઈ ન હતી. આગ મામલે જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર અધિકારીએ જણાવ્યું કે, કોલેજમાં રાખવામાં આવેલા આગ ઓલવવાના ફાયર એક્સ્ટીંગ્યુઝરની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી. જ્યારે ક્યાં કારણોસર આગ લાગી તે હજુ બહાર આવ્યું નથી. 

Related Posts