અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ – રાજ્ય હેઠળ નવા મંજૂર થયેલ અને પ્રગતિલક્ષી વિવિધ બાંધકામો ઝડપભેર આગળ ધપી રહ્યા છે. જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓ, નવી કોલેજ સહિતના નવા બિલ્ડિંગનું બાંધકામ પુરજોશમાં શરૂ છે.
બાબરા ખાતે નવી મામલતદાર કચેરી, નવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધારી ખાતે ઈ-૧ અને ૨, ડી-૧ જ્યુડિશિયલ સ્ટાફ ક્વાર્ટ્સ સહિતના બિલ્ડિંગોનું બાંધકામ ઝડપી ગતિએ શરૂ છે અને પ્રગતિ હેઠળ છે. સાથે જાફરાબાદ મામલતદાર કચેરી, અમરેલી સ્થિત જિલ્લા માહિતી કચેરી સહિતના નવા બિલ્ડિંગોનું બાંધકામ પણ ઝડપી ગતિએ શરૂ છે.
ઉલ્લેખનીય છે કે, બાબરા ખાતે નજીકના સમયમાં નવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બિલ્ડિંગ બનતા બાબરા-લાઠી સહિતના વિસ્તારના વાણિજ્ય અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને દૂર સુધી કોલેજ અભ્યાસ અર્થે નહીં જવું પડે ઉપરાંત નજીકમાં અદ્યતન શૈક્ષણિક બિલ્ડિંગ આકાર પામતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ઉત્તમ સુવિધાસભર સંસ્થાની ભેટ મળશે. નવા કોલેજ બિલ્ડિંગમાં ૧ હજાર જેટલા વિદ્યાર્થીઓ શિક્ષા મેળવીને પોતાના ભવિષ્યનું ઘડતર કરશે.
બાબરા અને જાફરાબાદ ખાતે નવી મામલતદાર કચેરી બનતા સરકારી અધિકારી અને કર્મચારીઓ ઉપરાંત આ વિસ્તારના અરજદારોને નવા અદ્યતન બિલ્ડિંગની ભેટ મળશે. સાથે ધારી ખાતે જ્યુડિશિયલ સ્ટાફ ક્વાર્ટ્સનું બાંધકામ પ્રગતિ તળે છે આથી જ્યુડિશિયલ સ્ટાફને પણ નવા આવાસીય બિલ્ડિંગની પણ ભેટ મળશે.
જિલ્લામાં દરેક સરકારી બિલ્ડિંગ સહિતના બાંધકામો ગુણવત્તાલક્ષી ધોરણે અને ત્વરાએ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે અમરેલી માર્ગ અને મકાન વિભાગ-રાજ્ય સતત કાર્યરત છે.


















Recent Comments