અમરેલી

જ્ઞાનના દ્વાર ખોલવા “વિજ્ઞાન સાધના” કરતાં વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૫,૦૦૦ની સહાય

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે “મારી યોજના પોર્ટલ” શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની જીણવટભરી વિગતો સરળતાથી મળી જાય છે. આ પોર્ટલ પર ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાની માહિતી આપવામાં આવી છે.  રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવવા માગતા અને તકનીકી કૌશલ્ય ધરાવનારા યુવાનો માટે ‘વિજ્ઞાનની સાધના’ અર્થે પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા વિજ્ઞાનની સાધના વડે જ્ઞાનના દ્વાર ખોલી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરનારા વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા આપવામાં આવે છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને સુદ્ધઢ કરવા અનેક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. ૨૧મી સદી વિજ્ઞાન અને ટેકનોલૉજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સદી છે. રાજ્યમાં ડીજીટલ ટેકનોલોજી, બાયો ટેકનોલોજી, ગ્રીન એનર્જી, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ, સેમી કન્ડક્ટર જેવી ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે. આ સ્થિતિમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવેલા અને તકનીકી કૌશલ્ય ધરાવનારા યુવાધન માટે વિપૂલ તકોનું નિર્માણ થવાનું છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની અગત્યતાને ધ્યાને રાખીને વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી ધો.૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવાની સરકારની નેમ છે.

લાભાર્થીની પાત્રતા : જે વિદ્યાર્થીઓએ ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત બોર્ડ અને કેન્દ્રીય માધ્મયિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત શાળાઓમાંથી ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને આ સહાય મેળવવા પાત્ર થશે. 

યોજનાનો લાભ : આ યોજના હેઠળ ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૨૫,૦૦૦ સહાય ચૂકવવામાં આવશે.  ધોરણ ૧૧ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ અને ધોરણ ૧૨ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/મળવાપાત્ર રહેશે. ધોરણ ૧૧ અને ૧૨ના શૈક્ષણિક વર્ષો દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૧૦૦૦ મુજબ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૨૦,૦૦૦ ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

આ યોજના રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધો. ૯ અને ધો.૧૦માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ અથવા માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધો. ૦૯ અને ધો.૧૦ પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૦૬ લાખ કે તેથી હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.

આ યોજના અંગેની વધુ વિગતો માટે મારી યોજના પોર્ટલ પર વિભાગ મુજબની યોજનામાં શિક્ષણ વિભાગની યોજના પરથી માહિતી મળશે અથવા મારી યોજના પોર્ટલની લિંક https://mariyojana.gujarat.gov.in/MoreDetails.aspx પરથી વધુ માહિતી મળી શકશે.

Related Posts