રાષ્ટ્રીય

500 વર્ષના યજ્ઞની પૂર્ણાહુતિ, ભારતીય સભ્યતાનું પુનઃજાગરણ : અયોધ્યામાં ધ્વજારોહણ બાદ PM મોદીનું સંબોધન

આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સિયાવર રામચંદ્ર કી જય…’ના ઉદ્ઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું, કે ‘આજે અયોધ્યા નગરી દેશની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્કર્ષ બિંદુની સાક્ષી બની છે. આજે સંપૂર્ણ ભારત અને અને સંપૂર્ણ વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં આજે અદ્વિતીય સંતોષ અને અપાર અલૌકિક આનંદ છે. સદીઓના ઘા હવે રુઝાઈ રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળી રહ્યો છે. સદીઓના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે. આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી. આજે ગર્ભગૃહની અનંત ઊર્જા આ ધર્મધ્વજાના રૂપે પ્રતિષ્ઠાપિત થઈ છે. આ ધર્મ ધ્વજા કેવળ એક ધ્વજા નહીં પણ ભારતીય સભ્યતાના પુનઃજાગરણની ધજા છે. આ ધ્વજા સંઘર્ષથી સર્જનની ગાથા છે. આ ધ્વજા સદીઓ જૂના સપનાઓનું સાકાર સ્વરૂપ છે. આગામી સહસ્ત્ર સદીઓ સુધી પ્રભુ રામના આદર્શોનું ઉદ્ઘોષ કરશે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે હું આજે તે તમામ ભક્તો, દાનવીર, શ્રમવીર, યોજનાકાર અને વાસ્તુકારને પ્રણામ અને અભિનંદન કરું છું. અયોધ્યા તે ભૂમિ છે જ્યાં આદર્શ આચરણમાં બદલાય છે. અયોધ્યાએ સંસારને બતાવ્યું કે એક વ્યક્તિ કેવી રીતે સમાજની શક્તિ અને સંસ્કારથી પુરુષોત્તમ બને છે. શ્રીરામ અયોધ્યાથી વનવાસ માટે ગયા ત્યારે તેઓ યુવરાજ હતા પરંતુ પરત આવ્યા ત્યારે મર્યાદા પુરુષોત્તમ બનીને આવ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં મહિલા, દલિત, આદિવાસી, યુવા, ખેડૂતો, શ્રમિક સહિત દરેક વર્ગને વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. દરેક સેક્ટર સશક્ત થશે ત્યારે સંકલ્પની સિદ્ધિમાં સૌ કોઈના પ્રયાસ લાગશે. આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું જ પડશે. આપણે આગામી 1 હજાર વર્ષો માટે ભારતનો પાયો મજબૂત કરવો છે. જે માત્ર વર્તમાનનું વિચારે તે આગામી પેઢી સાથે અન્યાય કરે છે. આપણે નહોતા ત્યારે પણ દેશ હતો અને જ્યારે આપણે નહીં હોઈએ ત્યારે પણ દેશ રહેશે. 

Related Posts