અમરેલી

ધારીમાં ‘શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી’ (FPO) દ્વારા ટેકાના ભાવે અત્યારસુધીમાં ૪૦,૦૦૦ મગફળીની બોરીની ખરીદી

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવાના હેતુથી પ્રતિવર્ષ ટેકાના ભાવે કૃષિ જણશોની ખરીદી કરવામાં આવી રહી છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના માધ્યમથી મગફળીસોયાબીનમગ અને અડદની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારી મુકામે શ્રીધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી (FPO) દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. બુધવારે મામલતદારશ્રી ધારી દ્વારા કેન્દ્રની મુલાકાત લઈ અને પ્રક્રિયાનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

ગુજકોમાસોલના ગ્રેડરની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના દિશાનિર્દેશો અનુરૂપ ખેડૂતોની મગફળીની ખરીદી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ અંગે મંડળીના સંચાલક શ્રી ભાવનાબેન ગોંડલીયાએ જણાવ્યું હતું કેરાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રતિ મણ ભાવ રૂ. ૧,૪૫૨ જાહેર કરવામાં આવ્યો છે. એક ખેડૂત પાસેથી ૧૨૫ મણની મર્યાદામાં મગફળીની ખરીદી કરવામાં આવશે. ધારી ખાતે ૧૧,૦૦૦ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યારસુધીમાં ટેકાના ભાવે ૪૦,૦૦૦ બોરી મગફળીની ખરીદી કરવામાં આવી છે. ખરીદીના ત્રીજા દિવસે પેમેન્ટ આવી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આજ સુધીમાં ત્રણ કરોડ રૂપિયા પેમેન્ટ ખેડૂતોના ખાતામાં જમા આવી ગયું છે. 

રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવની જણસોની ખરીદી કરવામાં આવી રહી હોવાથી ખેડૂતોને રાહત મળી રહી છે. દરમિયાન મગફળીના બજાર ભાવ કરતાં ટેકાના ભાવે વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતો માટે આ પ્રક્રિયા ફાયદાકારણ નિવડી રહી છે.

Related Posts