અમરેલી

સાવરકુંડલાના લોકસેવક મનુભાઈ મહેતા, કઠોર પરિશ્રમ જીવનમાં સો ટકા સફળતા અપાવે છે :- અબ્રાહમ લિંકન

ઉપરના વિચારને સાર્થક કરનારા શ્રી મનુભાઈ મહેતાનો જન્મ ઈ.સ. ૧૯૨૭ ના ફેબ્રુઆરીની ૨૭મીએ મોલડી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણજીભાઈ અને માતાનું નામ વ્રજકુંવરબેન હતું. કલ્યાણજીભાઈ દુકાન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ ઈ.સ.૧૯૩૪માં માદરે વતન મોલડીમાં લીધુ, જયારે હાઈસ્કૂલનં શિક્ષણ ઈ.સ. ૧૯૩૮ માં સાવરકુંડલામાં લીધું. તેઓ બાળપણથી જ અભ્યાસ ઉપરાંત વિવિધ રમતોમાં કુશળ હતા.

શ્રી મનુભાઈ વિદ્યાર્થીકાળથી આઝાદીની લડતમાં વિદ્યાર્થીઓની વાનરસેના બનાવી હતી, જેમાં તેઓ અંગ્રેજો ભારત છોડો- ના સૂત્રો બોલાવવામાં અગ્રેસર રહેતા. તેઓ ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ ખુદીરામ બોઝ અને મદનલાલ ધીંગરાના વિચારોથી પ્રભાવિત થયા હતા.

શ્રી મનુભાઈએ ઈ.સ.૧૯૪૪માં મેટ્રીકની પરીક્ષા અને ૧૯૪૮માં શામળદાસ કોલેજ ભાવનગરથી સ્નાતકની પરીક્ષા પાસ કરી હતી. તેમને લોકસેવાના કાર્યો કરવા હતા એટલે નોકરીનો સ્વીકાર ન કર્યો. તેઓ શ્રી લલ્લુભાઈ શેઠના લોકોપયોગી કાર્યોથી પ્રભાવિત થઈ અને ઈ.સ. ૧૯૪૮માં તેમની સાથે જોડાયા. મનુભાઈ મહેતાએ ઈ.સ. ૧૯૪૮માં સાવરકંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિ દરમ્યાન અનાજ વિતરણ અને સેવા પ્રવૃતિમાં સક્રિય ભૂમિકા ભજવી હતી, જેના કારણે સમગ્ર સાવરકુંડલા તાલુકામાં શ્રી મનુભાઈ મહેતા લોકોના મનમાં વસી ગયા, ઈ.સ.૧૯૪૯માં તેમણે કુંડલા વિભાગીય મોટર ટ્રાન્સપોર્ટ કો-ઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરી હતી. જેમાં ૬૦ બસો દ્વારા આજુબાજુના ૨૦૦ ગામડાઓના હજારો ઉતારૂઓની સુવિધા ઉભી કરી હતી. ઈ.સ.૧૯૫૦માં નેસડી મુકામે રમાબેન સાથે લગ્નગ્રંથીએ જોડાયા. શ્રી મનુભાઈએ શ્રી મનુભાઈએ શ્રી લલ્લુભાઈ શેઠ પાસે ગામડાઓના વિકાસ માટે કાર્ય કરવાની ઈચ્છા દર્શાવી, જેથી શ્રી લલ્લુભાઈએ તેમને ઈ.સ. ૧૯૫૩માં ખડસલી મોકલ્યા. એ સમયે ખડસલીમાં ૫૦૦ થી ઓછી વસ્તીવાળા ગામડામાં સંસ્થાના નામે શ્રી કેશુભાઈ ભાવસારે સ્થાપેલું ગ્રામસેવા કેન્દ્ર હતુ, જેનો તેમણે ગાંધી મૂલ્યો જાળવી આધુનિક રીતે વિકાસ કર્યો.

તેમણે ઈ.સ.૧૯૫૩માં લોકશાળા ખડસલીમાં શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થી, વાલીઓ અને ગ્રામજનોને જાગૃત કર્યા. તેમણે ખેતમજૂરો, દૂધ-ઉત્પાદક, વણકરો, કુંભારો અને તેલઘાણી ચલાવનારાઓની સહકારી મંડળીઓની રચના કરી, તેમને સ્વનિર્ભર બનાવ્યા હતા. તેમણે ઈ.સ.૧૯૬૮ થી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ જેવી મહત્વની સંસ્થાના મંત્રી અને સભ્યપદે રહીને ખાદી-ગ્રામોદ્યોગ અને અંબર ચરખા દ્વારા બહોળા પાયે રોજગારીની નવી તકો ઉભી કરી હતી. જયારે શ્રી લલ્લુભાઈ શેઠ પુરવઠા મંત્રી હતા ત્યારે તેમણે સાવરકુંડલા અને ખડસલીની બેવડી જવાબદારી સાથે કામગીરી કરી હતી. તેઓએ ૧૯૯૨માં સર્વોદય યોજના લાવ્યા, જયારે ઈ.સ. ૧૯૯૪ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વોટરશેડ યોજના લાવ્યા હતા, જેના માધ્યમથી ગામડે-ગામડે ચેકડેમ બાંધવામાં આવ્યા હતા. તેમણે જળસંગ્રહ માટે ૧૬૨૮ બાંધકામો, બે લાખ વૃક્ષો ઉપરાંત ૩૭૫૦ હેકટર જમીનનું નવીનીકરણ દ્વારા પાણીની તંગીના સંકટને હટાવી દેવાયું હતું. શ્રી મનુભાઈની લોકોપયોગી વોટરશેડ યોજનાને સફળ બનાવવા માટે શ્રી અશ્વિનભાઈ ત્રિવેદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ઈ.સ.૧૯૯૫માં સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા. તેમણે પ્રમુખપદે દરમ્યાન રોડ-રસ્તા, પાણી, ગટર અને સ્વચ્છતાની સુંદર સુવિધાઓ શહેરીજનોને પૂરી પાડી હતી, જેનો આજે પણ ગ્રામજનો હોશે-હોશે યાદ કરે છે.ઈ.સ.૨૦૧૧માં સાવરકુંડલા વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા તાલુકાના લોકો માટે તદન નિઃશુલ્ક ધોરણે સાધન અને આધુનિક આરોગ્ય સુવિધા પહોંચાડવાનું હતું ત્યારે વિશાળ જમીનની જરૂર હતી ત્યારે સંચાલક અને ટ્રસ્ટી એવા ઉદ્યોગપતિ શ્રી હરેશભાઈ મહેતાએ મનુભાઈ મહેતાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે લોકોના આરોગ્ય અને સુખાકારી માટે કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળની ખાદી કાર્યાલયની ચાર વિઘા જમીન વગર ભાડાએ ઉપયોગમાં લેવા દેવાની ઉદારતા દેખાવી હતી. હાલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના માધ્યમથી સમગ્ર ગુજરાતના હજારો દર્દીનારાયણો રોગમુકત થઈ રહ્યા છે. શ્રી મનુભાઈ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ થયા બાદ ફરી પાછા લોકસેવાના કાર્યોમાં લાગી ગયા હતા. તોકતે વાવાઝોડામાં ખડસલી લોકશાળામાં ઘણું નુકશાન થયું હતું. પણ તેમણે ૧ કરોડનું અનુદાન લાવી ફરીવખત સંસ્થાને બેઠી કરી હતી. લોકસેવક શ્રી મનુભાઈનું ૨૭-૧૧-૨૧ ના રોજ મૃત્યુ પામ્યા હતાં. અમેરિકાના વિશ્વવિખ્યાત મનોચિકિત્સક શ્રી રશ્મિબા જાડેજાએ તેમને અંજલી આપતા કહયું હતું કે શ્રી મનુભાઈ મહેતાને મળવું મારા માટે લ્હાવો હતો, લોકસેવાના પ્રહરી શ્રી મનુભાઈ હંમેશા લોકોના હદયમાં અમર રહેશે સાવરકુંડલા તાલુકાની જનતા મનુભાઈ મહેતાને હ્રદયપૂર્વક પુષ્પાંજલિ અર્પે છે.

Related Posts