અમરેલીમાં ૫૧૬૨મી ગીતા જયંતિના અવસરે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ભારતીય જ્ઞાન, આધ્યાત્મિક અને સંસ્કૃતિનો ઉત્સવ બની રહ્યો હતો.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા શહેરના શ્રી દિલીપ સંઘાણી હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા અને શ્રીમદ ભગવદ ગીતા પર વક્તવ્ય અને નાટ્યકૃતિના માધ્યમથી વિદ્યાર્થીઓએ ગીતા જ્ઞાનનું ભાથુ બાંધ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓએ મનમોહન સંસ્કૃતિક કૃતિ રજૂ કરવાની સાથે શ્રીમદ ભગવત ગીતાના ૧૨માં અધ્યાયનું કંઠસ્થ સમૂહગાન કર્યું હતું.
આ પ્રસંગે ચલાલા ખાતેની સંસ્કૃત શક્તિ ગુરુકુળના શ્રી રતિદાદાએ અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, નકારાત્મક વિચારોથી દૂર અને સત્યની નજીક રહેવું જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણને કૌરવો સાથે કોઈ દુશ્મનાવટ ન હતી પરંતુ ધર્મ અને સત્ય પાંડવોના પક્ષે હતા, એટલે જીવનમાં ધર્મનું આચરણ કરવું, ખોટું બોલવું નહીં અને સતત સમાજ હિતના સેવા કાર્યો કરતા રહેવા જોઈએ, તેમણે એમ પણ કહ્યું કે, ધર્મને માત્ર જાણવાથી નહીં પરંતુ આચરણમાં મૂકવાથી જ કલ્યાણ થાય છે. સાથે જ દશે દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થતા રહે તેથી જ જીવન ઉન્નત બને છે.
આ પ્રસંગે શ્રીમદ ભગવત ગીતા પર જીવનલક્ષી અને વિદ્યાર્થીઓના સંદર્ભમાં વક્તવ્ય આપતા શ્રી અર્જુન દવે જણાવ્યું હતું કે, સાંપ્રત સમયની સમસ્યાઓ ઉકેલ અને વૈશ્વિક દર્શન તથા ચેતનાના મૂળ શ્રીમદ ભગવત ગીતામાં રહેલા છે, તેમણે ગીતામાં ઉલ્લેખિત પ્રશ્નોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, યુદ્ધના મેદાનમાં પણ અર્જુને પોતાના મનમાં રહેલી શંકાઓને દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછ્યા હતા, પ્રશ્ન પૂછવાથી જ જ્ઞાન અને સમજણમાં વૃદ્ધિ થાય છે, એટલે વિદ્યાર્થીઓએ પણ શિક્ષણ મેળવતી વખતે વિના સંકોચે સતત પ્રશ્ન પૂછવા જોઈએ, અને તેના પ્રત્યુતર મળ્યા પછી અને સમજણ વિકસ્યા બાદ અટકવું ન જોઈએ, તેમણે એમ પણ કહ્યું હતું, આપણી ઉદાર સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરામાં હંમેશા પ્રશ્ન પૂછવાની મોકળાશ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, સજ્જનોનું રક્ષણ કરવા અને સમાજના અનિષ્ટો વિરુદ્ધ ગાંડીવ ઉપાડવા શ્રીમદ્ ભગવત ગીતા સંદેશ આપે છે, આમ, ધર્મને ટકાવવા અને તેના રક્ષણ માટે સ્વયંમાં કૃષ્ણત્વને જગાડવું પણ એટલું જ જરૂરી છે.
શ્રી અર્જુન દવેએ રોજબરોજના અનુભવો અને શ્રીમદ ભગવત ગીતાના સંદર્ભને ટાંકતા ભોજન, પારિવારિક અને સમાજ જીવન માટેની પ્રેરક વાતો કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્ર અને સ્વયંની ઉન્નતી માટે વ્યક્તિત્વ ઘડતર અને ચરિત્ર નિર્માણ ખૂબ જરૂરી છે, આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, સતત વિષયનું ચિંતન કરવાથી આશક્તિ જન્મે છે, તેમાંથી જ ક્રમશઃ કામ, ક્રોધ, સંમોહન ઉભું થાય છે તેના પરિણામે સ્મૃતિ નાસ થાય છે અને અંતે બુદ્ધિનો પણ નાસ થાય છે. આમ, જીવનમાં નિરક્ષિર વિવેક કેળવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.
આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષાર જોશીએ પણ વિદ્યાર્થીઓને જ્ઞાનઅર્જન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી, ઉપરાંત સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે પણ જરૂરી આયોજન કરવામાં આવશે. તેનો ઉલ્લેખ કર્યો હતો.
બ્રહ્માકુમારી સંસ્થાના કિંજલ દીદીએ પણ પ્રેરક સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગીતા જ્ઞાનને યોગના માધ્યમથી ધારણ કરી શકાય છે, ઉપરાંત પરમાત્મા સાથે એકાત્મ સધીને જીવનના કુરુક્ષેત્રમાં વિજય મેળવી શકાય છે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ.બી. ગોહિલને સંસ્કૃત સપ્તાહ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી માટે ધાર્મિક સંસ્થાના આગેવાનોએ શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. ઉપરાંત સંસ્કૃત સપ્તાહ દરમિયાન ત્રિ- દિવસીય કાર્યક્રમ અંતર્ગત આયોજિત વકૃત્વ , શ્લોક ગાન અને ચિત્ર સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે શ્રી દિપક હાઈસ્કૂલના
આચાર્ય શ્રી અમિતભાઈ ઉપાધ્યાયે ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ દ્વારા સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટેની પંચકમ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. સાથે જ આ કાર્યક્રમના સંચાલનની પણ બાગડોર સંભાળી હતી. અંતમાં નગર શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્રી આશિષ જોષીએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે ગાયત્રી પરિવારના શ્રી બીપીનભાઈ ભરાડ, ચલાલા સંસ્કૃત ગુરુકુળના કેમ્પસ ડાયરેક્ટર શ્રી મહેશભાઈ મહેતા, શ્રી કાર્તિક વ્યાસ, શ્રી જી. એમ. સોલંકી સહિતના મહાનુભાવો, સંસ્કૃત પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments