રાષ્ટ્રીય

ક્યાંક શિંદે અને ઉદ્ધવ સેનાએ હાથ મિલાવ્યો તો ક્યાંક શરદ પવારનો સાથ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગજબનો ‘ખેલ’

મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ અને કોંગ્રેસના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી (MVA) એકબીજાની વિરુદ્ધમાં છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દોસ્તી અને દુશ્મનીની પરિભાષા જ બદલાઈ ગઈ છે. આમ તો અત્યાર સુધી એકતરફ મહાયુતિ ગઠબંધનના સાથી પક્ષો ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના નેતાઓ તો બીજીતરફ મહાવિકાસ અઘાડીના સાથી પક્ષો કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને શરદ પવારની NCPSPના નેતાઓ એકબીજાના ગઠબંધન પર આકરા પ્રહારો અને ગંબીર આક્ષેપો કરતા જોવા મળતા હતા, જોકે હવે આ છ પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકબીજાને દગો આપતા જોવા મળી રહ્યા છે.મહારાષ્ટ્રની 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતની બેઠકો પર આવતીકાલે મંગળવારે મતદાન થવાનું છે અને આ ચૂંટણીમાં પોતાનું રાજકીય વર્ચસ્વ જાળવી રાખવા માટે બંને ગઠબંધનોમાં તિરાડ પડી ગઈ છે. આમ તો શિવસેનાના બે ભાગલા પડ્યા બાદ શિંદે અને ઉદ્ધવની પાર્ટી એકબીજા પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા. જોકે બંને આ ચૂંટણીમાં અનેક બેઠકો પર સાથે લડી રહ્યા છે.રિપોર્ટ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કેટલીક બેઠકો પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ની પાર્ટી શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે, તો કેટલીક બેઠકો પર શિવસેનાએ અજિત પવાર (Ajit Pawar)નું સમર્થન મેળવીને ભાજપના વિરુદ્ધમાં ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. એટલું જ નહીં અજિત પવારની પાર્ટી અને શરદ પવાર (Sharad Pawar)ની પાર્ટી પણ એક થઈ ગઈ છે અને કેટલીક બેઠકો પર ઉમેદવારો ઉતારી દીધ છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યના બંને મોટા મહાગઠબંધનની પોલ ખુલી ગઈ છે. તો આ ખેલમાં રાજ ઠાકરેની એમએનએસ પાર્ટીનો પણ ખેલ જોવા મળ્યો છે.

Related Posts