અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ તેના સાસરિયાં વિરુદ્ધ વિશ્વાસઘાત અને મિલકતની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી આશાબેન દાતણીયાનો આક્ષેપ છે કે, તેના સાસુ, બે નણંદ અને નણંદોઈએ મળીને ખોટું પેઢીનામું તૈયાર કર્યું હતું. આ પેઢીનામામાં તેમણે સ્વર્ગસ્થ પુત્રને અપરણીત અને નિઃસંતાન બતાવીને, આશાબેન અને તેમના પુત્ર આલોકના વારસાઈ હક્કો છુપાવ્યા હતા. ત્યારબાદ ચાંદખેડા ખાતે આવેલી પિતાની 35 લાખ રૂપિયાની મિલકત અન્ય વ્યક્તિને વેચીને છેતરપિંડી આચરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ફરિયાદી આશાબેન દાતણીયાના લગ્ન વર્ષ વર્ષ 2009માં કલ્પેશ દાતણીયા સાથે થયા હતા અને તેમને આલોક નામનો 14 વર્ષનો પુત્ર છે. પતિ કલ્પેશભાઈના મૃત્યુ બાદ સાસરિયાંના ત્રાસને કારણે આશાબેન પુત્ર સાથે પિયર રહેવા જતા રહ્યા હતા, જો કે, હાલમાં કોર્ટના હુકમ મુજબ તેમનો પુત્ર સાસરીમાં રહે છે.આશાબેનને તેમના પુત્ર આલોક મારફતે જાણવા મળ્યું કે, તેમના સ્વ. સસરા સતિષકુમાર દાતણીયાના નામે ચાંદખેડામાં આવેલું મકાન વેચાઈ ગયું છે. તપાસ કરતાં માલુમ પડ્યું કે તેના નાના નણંદ મિનાક્ષી વિશ્વાસ દત્તે તારીખ 25-7-2022ના રોજ પેઢીનામાનું ખોટું સોગંદનામું કર્યું હતું. આ સોગંદનામામાં આશાબેનના સ્વ. પતિ કલ્પેશભાઈને જાણી જોઈને અપરણીત અને નિઃસંતાન દર્શાવવામાં આવ્યા હતા, જેથી આશાબેન અને તેમના પુત્ર આલોક વારસદાર તરીકે બહાર આવે નહીં.
ખોટા પેઢીનામાના આધારે, 26-7-2022ના રોજ સાસુ કલાબેન દાતણીયા, મોટા નણંદ શીલાબેન દાતણિયા અને નાના નણંદ મિનાક્ષી દત્તે તેમના હક્કો જતાં કરતો હક રિલીઝ દસ્તાવેજ કર્યો હતો, જેમાં નણંદોઈઓએ સાક્ષી તરીકે મદદગારી કરી હતી. આ હક રિલીઝ દસ્તાવેજના આધારે, સાસુ કલાબેન દાતણીયાએ 7-2-2023ના રોજ ચાંદખેડાની આ મિલકત રૂપિયા 24,00,000માં નગીના રાઠોડને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપી હતી. આ રીતે સાસરિયાંઓએ મિલકતમાંથી આશાબેન અને તેમના પુત્રના હક્કો છીનવી લીધા હતા. આશાબેને પોતાના લગ્નની કંકોત્રી અને પુત્રનો જન્મનો દાખલો સહિતના દસ્તાવેજી પુરાવાઓ પોલીસ સમક્ષ રજૂ કર્યાં છે.




















Recent Comments