અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રબકપુર ગામમાં બાળકીનો ભોગ લેનાર માનવભક્ષી દીપડાને આખરે વન વિભાગની ટીમે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. આ હુમલા બાદ સમગ્ર પંથકમાં ફેલાયેલા ભય અને આક્રોશ વચ્ચે વન વિભાગની પાંચ દિવસની સતત મહેનત રંગ લાવી છે.આ કરૂણ ઘટના ત્રબકપુર ગામમાં ખેડૂત પુરુષોત્તમ મોરીની વાડીમાં બની હતી, જ્યાં પરપ્રાંતીય મજૂર પરિવાર રહેતો હતો. બાળકીની માતા રસોઈ બનાવી રહી હતી અને બાળકી તેની બાજુમાં જ બેઠી હતી. આ દરમિયાન અચાનક દીપડો આવી ચડ્યો હતો અને માતા કંઈ સમજે તે પહેલાં જ બાળકીને ઉઠાવીને ભાગી ગયો હતો.દીપડાએ બાળકીનો શિકાર કર્યો હતો, જેના કારણે બાળકીનું કરૂણ મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારમાં ગમગીની છવાઈ હતી અને સ્થાનિકોમાં વન્યપ્રાણીઓના ભયને લઈને આક્રોશ ફેલાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે તાત્કાલિક ધોરણે માનવભક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. પાંચ દિવસની અવિરત શોધખોળ અને જુદા જુદા સ્થળો પર પાંજરા ગોઠવ્યા બાદ વન વિભાગને આખરે સફળતા મળી છે.ઉલ્લેખનિય છે કે, અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહો દ્વારા માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ છે. આ પહેલાં ખાંભાના ગીદરડી ગામમાં ખેતમજૂર મુકેશ સોલંકી પર પણ સિંહે હુમલો કર્યો હોવાની ઘટના બની હતી.
અમરેલીના ત્રબકપુર ગામમાં બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો




















Recent Comments