લાઠી દર વર્ષે માગશર મહિનાની પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતિ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા અન્નપૂર્ણા પૃથ્વી પર પ્રગટ થયા હતા. આ દિવસે વિધિ-વિધાન સાથે દેવી અન્નપૂર્ણાની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી નથી આવતી.
ભગવાન શિવજીએ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા માગી હતી માન્યતા છે કે, જ્યારે ધરતી ઉપર પાણી અને અનાજ ખતમ થવા લાગ્યું ત્યારે દરેક જગ્યાએ હાહાકાર મચી ગયો. અને માણસોએ ભોજનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીની પૂજા કરી. ત્યારે શિવજીએ ધરતીનું ભ્રમણ કર્યું અને તે પછી માતા પાર્વતીએ અન્નપૂર્ણા સ્વરૂપ અને ભગવાન શિવજીએ ભિક્ષુકનું રૂપ ધારણ કર્યું.
ભગવાન શિવે માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા લઇને ધરતી ઉપર વસેલાં લોકોને વહેંચ્યું ત્યારથી બધા દેવોની સાથે મનુષ્યોએ પણ માતા અન્નપૂર્ણાની આરાધના કરવાનું શરૂ કરી દીધું. જે દિવસે માતા અન્નપૂર્ણા પ્રકટ થયાં, તે માગશર મહિનાની પૂનમ હતી. આ કારણે માગશર સુદ પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે અનાજ દાનનું ખાસ મહત્વ છે…
હીરા ઉદ્યોગના લબ્ધપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને ભગવાન શિવના ઉપાસક શ્રી ઘનશ્યામભાઈ શંકર દ્વારા પૂજ્ય મોરારીબાપુની રામકથા “માનસ શંકર”નું લાઠીમાં આયોજન થયું એ પછી કથા ગંગોત્રીના પ્રભાવ તળે લાઠી પંથકમાં અનેક સેવાકીય કાર્યોની શરૂઆત થઇ જેમાં આધ્યાત્મિક સાંસ્કૃતિક, સામાજિક, પર્યાવરણ અને સ્વરોજગારલક્ષી કાર્યોની અનેક ધારાઓ વહેતી થઇ…
એમાંની એક ધારા એટલે લાઠીમાં શરુ કરવામાં આવેલું 55 વરસની ઉપરના વડીલો માટે “અન્નપૂર્ણા પ્રસાદ ઘર” તા: 01/07/2024 નાં રોજ લાઠીના અસ્તાપીરની શેરીમાં આ પ્રસાદ ઘર શરુ કરવામાં આવ્યું છે, નાતજાતના કોઈપણ ભેદભાવ વગર અહીં તમામ સમાજના લોકોને પ્રસાદ સ્વરૂપે ભોજન અને ટિફિન આપવામાં આવે છે, અને એ પણ સબસિડાઇઝ દરે એટલે કે ફક્ત 25/- રૂપિયામાં અને માસિક પાસ તો ફક્ત 20/- રૂ માં આપવામાં આવે છે, જમવામાં દરરોજ બે શાક દાળ ભાત રોટલી અથાણું છાશ ગોળ જેવી વાનગીઓ પીરસાય છે, તહેવારોમાં મિષ્ટાન અને ફરસાણ ભોજન પીરસાય છે, પ્રસાદ માટે બુકીંગનો સમય સવારે 10:30 અને સાંજે 05:30 સુધીનો છે, એકદમ સાત્વિક અને શુધ્ધતાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે, લાઠીના અઢારેય વર્ણના યુવાનોની કમિટી બનાવીને માનદ સેવા આપે છે અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ લાઠીનું આ અન્નપૂર્ણા પ્રસાદ ઘર બન્યું છે, તમામ કમિટી મેમ્બર્સને ખૂબ ધન્યવાદ કોરોનાકાળ પછી શરુ થયેલું લાઠી લેઉવા પટેલ સમાજનું રસોડું ત્યાં માસિક બને ટાઈમ 6000 આસપાસ થાળી અને અન્નપૂર્ણા પ્રસાદ ઘરમાં માસિક 6500 આસપાસ થાળી બંને ટાઈમ ગણીને લોકોએ ભોજનનો લાભ લીધો છે અને માસિક કુલ ખર્ચ 1,80,000/- આસપાસ આવે છે, ઘટતી રકમનો ખર્ચ શ્રી દુલાભાઈ શંકર, શ્રી મનુભાઈ શંકર, શ્રી રાજુભાઈ શંકર અને સ્વૈચ્છીક નાની મોટી રકમના દાતાશ્રી પણ ઉઠાવે છે…..
હાલના સમયમાં સૌરાષ્ટ્ર હવે વૃદ્ધાશ્રમમાં ફેરવાઈ ગયું હોય એવું લાગે છે, ગામડાઓ અને તાલુકામાં મોટાભાગે વડીલો જ રહે છે, આખી ઝીંદગી ગામડામાં મોટા ઘરોમાં રહ્યા હોય એવા વડીલોને શહેરોનું ધમાલિયું વાતાવરણ અને ફ્લેટ સિસ્ટમમાં ફાવતું નથી એટલે એ લોકો સંતાનો પાસે થોડા દિવસો જઈ આવે અને પછી કુદરતી વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે, વડીલો માટે શ્રી અન્નપૂર્ણા પ્રસાદ ઘર બહુ ઉપીયોગી સેવા બની રહી છે….
મોટી ઉંમરના વડીલો માટે આવી સરસ ભોજન વ્યવસ્થા સૌરાષ્ટ્રના ગામડાઓ માં અને નાના શહેરોમાં હવે બહુ જરૂરી બની ગઈ છે, શ્રી ઘનશ્યામભાઈ શંકરના આ સત્કાર્યમાંથી પ્રેરણા લઈને સમાજના સુખી સંપન્ન લોકોએ આગળ આવીને આવા ભોજનાલય શરુ કરવા જોઈએ, અને સમાજના અઢારેય વર્ણના લોકોને છેલ્લી અવસ્થામાં સુખેથી જીવી શકે એવી વ્યવસ્થાઓ કરવી જોઈએ તેમના આશીર્વાદ લેવાનો આ અવસર છે…..
પટેલ સમાજ પાસેથી આવી અપેક્ષા રાખવાનું એક કારણ એ છે કે કણમાંથી મણ પેદા કરવાની તાકાત પટેલ સમાજ પાસે છે, સખત પરિશ્રમનો પર્યાય એટલે પટેલ સમાજ જૂનાકાળમાં અઢારેય વર્ણના લોકોનું પેટ ભરતા કિસાનો એ મોટેભાગે પટેલ સમાજના જ હતા, અને ખળે થી સૌને જરૂરિયાત પૂરતું આપીને જ અનાજ ઘરે લઇ જતા હતા ત્યારે વડીલોએ ક્યારેય નાત જાતના ભેદ કર્યા નહોતા આજે પટેલો સુખી છે એની પાછળનું મુખ્ય કારણ વડીલોની પૂણ્યાય છે હવે સમય છે ઈશ્વરે તમને જે આપ્યું છે એનો સદ્વ્યય કરવાનો અને નવા પુણ્યના ભાથા બાંધવાનો જગતમાં સર્વશ્રેષ્ઠ દાન એ અન્નદાન છે, માટે આર્થિક રીતે સધ્ધર લોકોએ ગામેગામ આવા ભોજનાલય શરુ કરીને વડીલોની આંતરડી ઠરવાના અને મહાપુણ્યના અધિકારી બનવું જોઈએ એવી નમ્ર વિનંતી છે…
અમરેલી જિલ્લાના ફતેપરા ગામના અને પટેલ સમાજના આદ્યગુરુ સંતશ્રી ભોજલરામ બાપાએ પોતાના શિષ્ય જલારામ બાપાને એજ શીખ આપી હતી કે દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ આવા ઉત્તમ માનવસેવાના સદાવ્રત ચલાવવાની પ્રેરણા એક પટેલના દીકરા જ આપી શકે અને જલારામ બાપા જેવા સમર્થ સંત આદર્શ રૂપે આ સેવા ચાલુ રાખી શકે તેમના આશીર્વાદ થકી જ સદાવ્રત ચાલી શકે છે, સૌએ પ્રયાસ કરવો જોઈએ…



















Recent Comments