ભાવનગર

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં આંખનાંસવા લાખથી વધુ દર્દીઓને મળી નિદાન સારવાર

‘દર્દી દેવો ભવઃ’ સૂત્ર મૂલ્ય સાથે ગોહિલવાડની સુપ્રસિધ્ધ શિશુવિહાર સંસ્થા દ્વારા ૫૮ વર્ષથી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ દ્વારા વીસ હજારથી વધુ દર્દીઓને આંખની શસ્ત્રક્રિયાનો નિઃશુલ્ક લાભ મળ્યો છે.  આંખનાં સવા લાખથી વધુ દર્દીઓને નિદાન સાથે સારવાર મળી છે.

સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ સારવાર સંસ્થા એટલે રાજકોટ પાસે વીરનગર સ્થિત શ્રી શિવાનંદ આંખનાં દવાખાના દ્વારા ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં નેત્રયજ્ઞ આયોજનો થતાં રહ્યાં છે. શિશુવિહારનાં સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટ (માન દાદા) અને શિવાનંદ સંસ્થાનાં પ્રેરણાશ્રોત શ્રી શિવાનંદ અધ્વર્યુંજીની દિવ્ય મિત્રતાનો લાભ ભાવનગર અને પૂરા પંથકને મળી રહ્યો છે.

શિશુવિહાર સંસ્થાનાં વડા શ્રી નાનકભાઈ ભટ્ટ કહે છે તે મુજબ વર્ષ ૧૯૬૮થી પ્રભુકૃપા નેત્રયજ્ઞ સેવા અભિયાન ચાલી રહેલ છે. આ નેત્રયજ્ઞમાં વિવિધ સંસ્થાઓ અને દાતાઓનો પૂરતો સહયોગ રહ્યો છે. પ્રારંભે શ્રી શાંતિલાલ શેઠ, શ્રી આશાબેન અરુણભાઈ ઝવેરી, શ્રી જયંતભાઈ વાનાણી, શ્રી મૂળરાજસિંહ રાણા, શ્રી નંદલાલ મણિશંકર પંડ્યા, શ્રી કનુભાઈ શાહ વગેરે પરિવાર દ્વારા અને એ ઉપરાંત અન્ય દાતાઓ સહયોગી બની રહેલ છે. એક કે તેથી વધુ નેત્રયજ્ઞ શિબિર સહયોગી દાતાઓની પણ યાદી મોટી છે.

‘દર્દી દેવો ભવઃ’ સૂત્ર મૂલ્ય સાથે ગોહિલવાડની શિશુવિહાર સંસ્થા દ્વારા ૫૮ વર્ષથી ચાલતાં આ પ્રભુકૃપા નેત્રયજ્ઞ દ્વારા વીસ હજારથી વધુ દર્દીઓને આંખની બીમારીઓ મોતિયો બિંદુ, ઝામર વગેરે બીમારીની શસ્ત્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળ્યો છે. અહીંયા વયસ્કોને દૃષ્ટિ ચકાસણી સાથે વિનામૂલ્યે ચશ્મા વિતરણ થાય છે, જેમાં શ્રી ભૂપતભાઈ શાહ અને શ્રી સુધાબેન કનુભાઈ શાહ સંસ્થાનાં સૌજન્યનો લાભ મળ્યો છે.

વીરનગર સ્થિત શ્રી શિવાનંદ આંખનાં દવાખાના દ્વારા નિષ્ણાત તબીબો દ્વારા ભાવનગર શિશુવિહારમાં નિદાન કરવામાં આવે છે, તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વીરનગર લઈ જવામાં આવે છે. આટલાં વર્ષોમાં આંખનાં સવા લાખથી દર્દીઓને આ નિદાન સાથે સારવાર મળી છે.

આંખના દર્દીઓને આ દરમિયાન ગરમ ધાબળા, ભોજન, કપડા વગેરે સહાય પણ મળતી રહે છે.

શિશુવિહારના આ ‘માનવ સેવા એ જ પ્રભુસેવા’ કાર્યમાં શ્રી રવિન્દ્રનાથ ટાગોરનાં અંતેવાસી શ્રી ગુરુદયાળ મલ્લિકજી, દિવ્ય જીવન સંઘના વડા શ્રી સ્વામી ચિદાનંદજી મહારાજ, જૈનાચાર્ય શ્રી ચિત્રભાનુજી, શ્રી સ્વામી તદરૂપાનંદજી, શ્રી મોરારિબાપુ સહિત વિવિધ ક્ષેત્રના સામાજિક મહાનુભાવો આ પ્રવૃત્તિથી પ્રભાવિત રહ્યાં છે.

શિશુવિહારના સ્થાપક શ્રી માનદાદા દ્વારા નેત્રયજ્ઞ સાથે ચક્ષુદાનની પણ વિક્રમરૂપ સેવા પ્રવૃત્તિ રહી. રક્તદાન, ચક્ષુદાન તેમજ દેહદાનની પ્રવૃત્તિઓમાં શિશુવિહાર ભાવનગર મોખરે રહ્યું છે, જે ગૌરવરૂપ બાબત છે.

સરકાર દ્વારા ચાલતી અંધત્વ નિવારણ યોજના સાથે આ સંસ્થાઓ દ્વારા થઈ રહેલ માનવ સેવાના સંવેદનશીલ કાર્યનો ગરીબ અને મધ્યમવર્ગને લાભ મળી રહ્યો છે.

શિશુવિહારમાં નેત્રયજ્ઞ માટે સંસ્થાનાં શ્રી અનિલભાઈ બોરીચાનાં સંકલન સાથે શ્રી હિનાબેન ભટ્ટ અને શ્રી ધર્મેશભાઈ વડોદરિયા વગેરે કાર્યકર્તાઓ દર્દીઓ માટે તપાસ, નિદાન, ભોજન અને જરૂરી સામગ્રી તેમજ વીરનગર દવાખાને લઈ જવા સાથે તેમના માટેની ઝીણવટભરી કાળજી લેતાં રહે છે. આ ઉપરાંત વ્યવસ્થામાં શ્રી મંગળસિંહ પરમાર, શ્રી અનિલભાઈ જોષી અને શ્રી કમલેશભાઈ વેગડ રહે છે.

Related Posts